
કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર જનપથ ખાતે હેન્ડલૂમ કોન્ક્લેવ – મંથનનું ઉદ્ઘાટન કર્યું
નવી દિલ્હીઃ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે તે વાત પર ભાર મૂક્યો હતો કે, ઉભરતા ઈ-કોમર્સ બજારને લક્ષ્ય બનાવવા માટે હાથશાળ ઉત્પાદનની ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ પ્રકૃતિ, કુદરતી રંગકામના ફાયદા, જૈવિક ફાઈબરના લાભ અને હાથશાળ ઉત્પાદનોની વિશિષ્ટ ડિઝાઇન અંગે વ્યાપક જાગૃતિ લાવવાની ઘણી જ આવશ્યકતા છે. વર્ષ 2030 સુધીમાં ઈ-કોમર્સ બજાર 325 અબજ ડોલરનું બજાર બનશે તેવી અપેક્ષા છે.
કેન્દ્રીય કાપડ મંત્રીએ સંગઠિત/કોર્પોરેટ ક્ષેત્રના કાપડ ઉદ્યોગને પણ વિનંતી કરી હતી કે તેઓ હાથશાળ વણકરોને સામાજિક સુરક્ષા અને વાજબી મહેનતાણું સુનિશ્ચિત કરીને સ્થાયી આજીવિકા પૂરી પાડવા માટે એક મોડેલ વિકસાવે. કાપડ મંત્રાલય દ્વારા કોર્પોરેટ/ઉત્પાદક કંપનીઓ/સ્ટાર્ટ-અપ્સ માટે એક એવોર્ડ શરૂ કરવામાં આવશે, જે હાથશાળ ઉદ્યોગ માટે આ પ્રકારનું મોડેલ બનાવશે અને ઓછામાં ઓછા 300 દિવસ/વર્ષ માટે હાથશાળ વણકરોને કાયમી રોજગાર પૂરો પાડશે.
કેન્દ્રીય વિદેશ અને કાપડ રાજ્ય મંત્રી પબિત્રા માર્ગેરિટાએ કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું કે, હાથશાળ ઉત્પાદનો આપણા દેશના સાંસ્કૃતિક વારસાનો જીવંત પુરાવો છે. તેમણે હાથશાળ ઉદ્યોગને એક જીવંત ક્ષેત્ર તરીકે પુનર્જીવિત કરવાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. જે યુવા પેઢીને આકર્ષવા માટે વાજબી કમાણી પૂરી પાડે છે.
આ કાર્યક્રમને સંબોધતા સચિવ, ટેક્સટાઇલે ભાર મૂક્યો કે ‘કોનક્લેવ-મંથન’ એક ‘ચિંતન શિબિર’ છે, જે હાથવણાટમાંથી યુવાનોના પલાયન અને વંચિત રહેવા અંગેની ચિંતાઓને દૂર કરવા માટે હિતધારકોની સાથે “સંવાદ” સ્થાપિત કરવા માટે મંત્રાલયનો એક પ્રયાસ છે. તેમણે આધુનિક શિક્ષણ અને પરંપરાગત જ્ઞાન વચ્ચે સુમેળ સાધવા પર પણ ભાર મૂક્યો હતો.