લક્ષદ્વીપના પાવર અને શહેરી વિકાસ ક્ષેત્રની કેન્દ્રીય પ્રધાન મનોહર લાલે કરી સમીક્ષા
નવી દિલ્હીઃ કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના પાવર સેક્ટરની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન લક્ષદ્વીપના પાવર સેક્ટરને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન વીજ ઉત્પાદનની સ્થિતિ અને ઉત્પાદનના સ્ત્રોતો, વીજ વિભાગની કામગીરી, વીજળીની માંગ અને પુરવઠાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અને વીજ વિતરણને લગતા મુદ્દાઓ પર પણ ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટની સ્થિતિ અને ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટના પ્રસ્તાવિત પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
કેન્દ્રીય ઉર્જા અને આવાસ તથા શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશની તેમની મુલાકાત સમસ્યાઓ ઉકેલવામાં અને નવી પહેલોને ઓળખવામાં મદદ કરશે જે કેન્દ્રશાસિત પ્રદેશના નાગરિકોને પૂરી પાડવામાં આવતી સેવાઓમાં વધુ સુધારો કરશે. સમયાંતરે વીજ ઉત્પાદન ખર્ચ ઘટાડવાની જરૂર છે.
કેન્દ્રીય ઉર્જા મંત્રીએ ઉર્જા ઉત્પાદનના વૈકલ્પિક સ્ત્રોતોની શક્યતાઓ શોધવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ઉર્જા પ્રદાન કરવા માટે સૌર આધારિત ઈવી ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા પર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલે તેમના સંબોધનમાં કેન્દ્રીય મંત્રીનો લક્ષદ્વીપમાં વીજ ક્ષેત્રને લગતા પ્રશ્નોની સમીક્ષા કરવા માટે તેમની મુલાકાત બદલ આભાર માન્યો હતો અને કેન્દ્રશાસિત પ્રદેશની અન્ય બાબતો વિશે તેમને માહિતગાર કર્યા હતા.
તેમણે સબ-મરીન કેબલ દ્વારા ટાપુઓને એકબીજા સાથે જોડવા માટેના પ્રોજેક્ટની મંજૂરી માટે વિનંતી કરી હતી. ટાપુમાં ગુણવત્તાયુક્ત પાવર સપ્લાય પ્રોજેક્ટની જરૂરિયાતની નોંધ લેવામાં આવી હતી.