શૈક્ષણિક કાર્યમાં રોકાયેલા શિક્ષકોને ઉત્તરવહી મૂલ્યાંકનમાંથી મુક્તિ આપવા સંઘની માગ
- ધો. 9 અને 11ની શાળા વ્યવસ્થા સાચવવા શિક્ષકોએ મુક્તિ માટે અરજી કરી હતી
- મૂલ્યાંકન કેન્દ્રોને શાળાના આચાર્ય દ્વારા પણ જાણ કરવામાં આવી હતી
- બોર્ડની પરીક્ષા પૂર્વે યોગ્ય પરિપત્ર જાહેર કરવા શૈક્ષિક સંઘની માંગ
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓના મુલ્યાંકનની કામગીરીમાં શિક્ષકો ન આવે તો આંકરા પગલાં લેવામાં આવે છે. ત્યારે ધોરણ 10 અને ધોરણ 12 ની ગત વર્ષની માર્ચ 2024ની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણીના કાર્યમાંથી ધોરણ 9 અને ધોરણ 11ની શાળા વ્યવસ્થા સાચવવા મુક્તિ માટે શિક્ષકોએ અરજી કરી હોવા છતાં બોર્ડ દ્વારા તે સમયે ઘણાબધા શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારે તથા આ વર્ષે આ મુદ્દે પરિપત્ર સ્વરૂપે સ્પષ્ટ સૂચના બહાર પાડવા આચાર્ય ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શૈક્ષિક મહાસંઘના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓના મુલ્યાંકનની કામગીરીમાં શિક્ષકો ન આવે તો આંકરા પગલાં લેવામાં આવે છે ધો.10 અને ધો.12ની ગત વર્ષની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીના કાર્યમાંથી ધો.9 અને ધો.11ના વર્ગોની વ્યવસ્થા સાચવવાના ભાગરૂપે મુક્તિ અંગે પરીક્ષા નિયામક તેમજ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રને શાળાના લેટરપેડ પર આચાર્યના માધ્યમથી લેખિતમાં શિક્ષકો દ્વારા જાણ કરી હોવા છતાં કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી. તે સમયે બોર્ડ સામે વિરોધ પણ ઉઠ્યો હતો. ધોરણ 10 અને 12ની ઉત્તરવહીઓના મૂલ્યાંકન માટે જો બધા જ શિક્ષકો જાય તો ધો.9 અને ધો.11ના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય તેમજ વાર્ષિક પરીક્ષા વ્યવસ્થા અંગે શાળાઓને ખૂબ જ મુશ્કેલી પડે છે. આ પ્રશ્ન દર વર્ષે સર્જાતો હોવાથી ધો.9 અને ધો.11ની શાળા વ્યવસ્થા સચવાય એટલા શિક્ષકોની મુક્તિનો હુકમ કરવામાં આવે તો વ્યવસ્થા સચવાઈ જાય એવી રજુઆત કરવામાં આવી છે.
આ ઉપરાંત હવે જ્યારે આગામી ફેબ્રુઆરીમાં ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા યોજવાની છે ત્યારે આ અંગે સ્પષ્ટતાનો પરિપત્ર કરવામાં આવે તેમ જ અગાઉ જે નોટિસ પાઠવી છે તે અંગે યોગ્ય વિચાર કરી નિર્ણય લઈ નોટિસમાં કોઈપણ શિક્ષાત્મક કાર્યવાહી ન કરવામાં આવે તેવી રજૂઆત મહાસંઘ દ્વારા કરવામાં આવી છે.