યુનિફોર્મ સિવિલ કોડથી આદિવાસી, બક્ષીપંચ સહિત સમાજના લોકોને અસર થશેઃ કોંગ્રેસ
- UCCના બહાને દેશની વિવિધતામાંએકતાની સંસ્કૃતિ પર પ્રહારઃ અમિત ચાવડા
- મોંઘવારી, બેરોજગારીથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા UCC જાહેરાત કર્યોનો આક્ષેપ,
- બંધારણે ધાર્મિક વિધિઓ, પરંપરાઓ, રીત-રીવાજો, સંસ્કૃતિને ધ્યાનમાં રાખી વિશેષ છૂટ આપી છે.
અમદાવાદઃ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વિવિધતામાં એકતાની ભારતની સંસ્કૃતિ અને પરંપરા રહી છે. આપના દેશમાં જાતિ, ધર્મ, ભાષા અને પ્રાંતથી ઉપર ઉઠી આપણે સૌ ભારતીયો છીએ. આપણે સૌએ સાથે મળી દેશનું નિર્માણ કર્યું છે. દેશમાં, આઝાદ ભારતમાં ટાંકણી પણ નહોતી બનતી એ ભારતને આજે વિશ્વની મહાસત્તા બનાવવા તરફની જે સફર રહી છે એમાં તમામનું યોગદાન છે. દેશના બંધારણે સૌને સમાનતાનો અધિકાર આપ્યો છે. બંધારણે ચોક્કસ સમુદાયો, ધર્મ, જાતિના લોકોને પોતાની ધાર્મિક વિધિઓ, પરંપરાઓ, રીત-રીવાજો, સંસ્કૃતિ છે એ તમામ બાબત ધ્યાનમાં રાખીને વિશેષ છૂટ પણ આપી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં જયારે મુખ્યમંત્રી દ્વારા યુ.સી.સી. માટે કમિટી બનાવવાની જાહેરાત કરી છે ત્યારે ચોક્કસ કહેવું પડે કે બંધારણે આપણને સમાનતાનો અધિકાર આપ્યો છે, ચોક્કસ સમુદાયોને છૂટ પણ આપી છે ત્યારે યુ.સી.સી.ના કાયદા માટે જે પ્રક્રિયા શરુ કરવાની વાત છે અને જે રીતનો પ્રચાર-પ્રસાર થઇ રહ્યો છે એ મુસ્લિમ સમુદાય માટે યુ.સી.સી. લાગુ કરવામાં આવશે. પણ, યુ.સી.સી. લાગુ થવાથી કોને કોને અસર થવાની? મુસ્લિમ સમાજ સાથે સાથે ગુજરાતમાં 14 ટકા વસ્તી ધરાવતા આદિવાસી સમાજને સવિશેષ અસર થવાની છે. આદિવાસી સમાજની પોતાની સંસ્કૃતિ, પરંપરા, રીત-રીવાજો અને લગ્ન વ્યવસ્થા છે એ ધ્યાનમાં રાખીએ ગુજરાતમાં યુ.સી.સી. અસર આદિવાસી સમાજને વધુ થશે. જૈન સમાજની પોતાની અલગ ધાર્મિક વિધિઓ-પરંપરાઓ છે, જેમ કે જૈન સમાજમાં કોઈ સંથારો કરે તો જૈન સંસ્કૃતિ અને જૈન ધર્મ એને મહત્વ આપે છે. એને સન્માનની ભાવનાથી જુએ છે પણ બીજા કોઈ સમાજમાં થાય તો એને આત્મહત્યા સાથે મુલવવામાં આવે છે. એ જ રીતે વિચરતી અને વિમુક્ત જાતિના સમુદાયો છે, દેવીપુજક સમાજના કે બીજા સમુદાયો છે એમની પોતાની અલગ-અલગ પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ છે એમને પણ આ કાયદાથી અસર થવાની છે.
તેમણે કહ્યુ હતું કે, ખાસ કરીને આખા ગુજરાતમાં આદિવાસી સમાજ, બક્ષીપંચ સમાજ, જૈન સમાજ અને વિચરતી વિમુક્ત જાતિના લોકોને યુ.સી.સી.થી મોટી અસર થવાની છે. યુ.સી.સી.નો કાયદો સેન્ટ્રલ ગવર્નમેન્ટના લીસ્ટમાં છે. રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્રના બહારની વાત છે. કમિટી બનાવી 45 દિવસમાં રીપોર્ટ આપવાની ભલામણ કરવામાં આવશે એ વાત કરવામાં આવી રહી છે એ મારા માનવા મુજબ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની આંતરિક વોર ચાલી રહી છે, ભારતીય જનતા પાર્ટીની અલગ-અલગ ગેંગો સામસામે આવી, ખુલીને પત્રો લખી રહી છે, નિવેદનબાજી કરી રહી છે, એમના કૃત્યોને ખુલ્લા પડી રહી છે એનાથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન છે. સાથે સાથે ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, સરકારી નિષ્ફળતાઓ જે વ્યાપક બની છે એમાંથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરી વોટબેન્કની રાજનીતિ કરવા માટેની પ્રેસ કોન્ફરન્સ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.