ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારમાં 157 નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક
- નગરપાલિકાના કર્મચારીઓને બે-ત્રણ મહિનાથી પગારથી વંચિત,
- નગરપાલિકાઓ વીજળી બિલ પણ ભરી શકતી નથી,
- બાકી વેરા ઉઘરાવવામાં પણ નગરપાલિકાઓ નિષ્ક્રિય
અમદાવાદઃ ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિન સરકારમાં નગરપાલિકાઓની આર્થિક હાલક કફોડી બની છે. જેમાં 157 નગરપાલિકાઓ તેના કર્માચારીઓને પગાર પણ કરી શકતી નથી. છેલ્લા બે-ત્રણ મહિનાથી પગારથી વંચિત રહેલા કર્મચારીઓ ઉછીના રૂપિયા લઈને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. રાજ્યની મોટા ભાગની નગરપાલિકાઓ વીજળી બિલ પણ ભરી શકતી નથી. ગમે ત્યારે વીજળીના કનેક્શનો કપાય જાય એવી સ્થિતિ છે. નગરપાલિકાઓની આર્થિક હાલત કથળી તેના પાછળ ભાજપના પદાધિકારીઓ જ જવાબદાર હોવાનું કહેવાય છે. કારણ કે પ્રોપર્ટી ટેક્સ, પાણી અને વીજળી બિલ સહિત લાખો રૂપિયાના બાકી બિલોની રિકવરી થતી નથી. અને ભાજપના પદાધિકારીઓ જ બાકી બિલો સામે આકરા પગલાં લેવા દેતા નથી.
ગુજરાતની નગરપાલિકાઓ પાસે રૂપિયા જ નથી. ગુજરાતમાં કુલ મળીને 157 નગરપાલિકાઓ એવી છે, જેમની તિજારીઓ ખાલી થઈ ગઈ છે. આ નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ એટલી કથળી છે કે, તેમની પાસે કર્મચારીઓને પગાર ચૂકવવાના રૂપિયા પણ નથી. છેલ્લા 2-3 મહિના કર્મચારી પગારથી વંચિત છે. સફાઈ કામદારથી લઈને ચીફ ઓફિસર સુધી પગાર ચુકવાયો નથી. રાજ્યની અનેક નગરપાલિકાઓ દેવાળું ફૂંકવાની અણી પર છે. જે નગરપાલિકાઓ તેના કર્મચારીઓને પગાર કરી શકતી નથી એમાં વિરમગામ, ધોળકા, ઈડર, પ્રાંતિજ, તલોદ, જંબુસર, ડભોઈ, બોટાદ, ગઢડા. બારેજા, બાવળા, મહેસાણા, ઉંઝા, વિજાપુર, ખેરાલુ, ખેડા, મહુધા, કઠલાલ, વઢવાણ, 1, ચોટિલા, બીલીમોરા, ગણદેવી, વલસાડ, વાપી, ઉમરગામ, હાલોલ, શહેરા, ગાંધીધામ, અંજાર, રાપર, નખત્રાણા, દ્વારકા, ભાણવડ, સલાયા, કુતિયાણા, માંગરોળ, માણાવદર, વંથલી, વિસાવદરનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં 157 નગરપાલિકાઓના સરકારી કર્મચારીઓને ઓગષ્ટ, સપ્ટેમ્બર,નવેમ્બરનો પગાર ચૂકવાયો નથી. ઘણી પાલિકામાં તો જૂન-જૂલાઈથી પગાર અપાયા જ નથી. પાલિકાના ચીફ ઓફિસર, ક્લાર્કથી માંડીને સફાઈ કર્મચારીઓ પગારની રાહ જોઇને બેઠાં છે. માત્ર સરકારી કર્મચારીઓને જ નહીં, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને પણ પગાર ચૂકવાયો નથી. પોરબંદર નગરપાલિકામાં તો ત્રણ મહિના પછી પણ હજુ પગાર અપાયો નથી. ગુજરાતમાં નગરપાલિકાઓમાં કુલ મળીને 2500થી વઘુ કર્મચારીઓએ પગારની રાહ જોઈને બેઠાં છે.