કન્નોજમાં રેલવે સ્ટેશનનું નિર્માણધીન લિંટલ ધરાશાયી, 30 શ્રમજીવી ઘાયલ
લખનૌઃ ઉત્તરપ્રદેશના કન્નોજમાં નિર્માણધીન રેલવે સ્ટેશનનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. તૂટી પડેલા ભાગના કાટમાળ નીચે 35 જેટલા શખ્સો દબાયા હતા. જેથી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બનાવની જાણ થતા વહીવટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દૂર્ઘટનામાં 30 મજુરો ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે.
પ્રાથમિક માહિતી અનુસાર, કન્નોજ જિલ્લામાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નિર્માણધીન રેલવે સ્ટેશનનું લિંટર તૂંટી પડતા નાસભાગ મચી ગઈ હતી. રેલવે સ્ટેશનનો તૂટી પડેલા લિંટરના કાટમાળ નીચે 35 મજુર દબાયા હતા. આ દૂર્ઘટનામાં ઘવાયેલા લોકો પૈકી 3ની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર સ્થળ પર દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બનાવની જાણ થતા સૂચના મંત્રી અસીમ અરૂણ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. તેમણે અધિકારીઓને ઘાયલોની સારવાર અને બચાવ કામગીરીનું નીરિક્ષણ કર્યું હતું. આ ઉપરાંત 12 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી તેમજ ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયાં હતા. બચાવ કાગમરીમાં નગર પાલિકાના 50 જેટલા કર્મચારીઓ જોડાયાં છે.