તરણેતરનો મેળો માણીને બાઈક પર પરત ફરતા કાકા-ભત્રીજાનું કન્ટેનરની અડફેટે મોત
- મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર ગામ પાસે અકસ્માત સર્જાયો,
- અકસ્માત બાદ કન્ટેનરચાલક નાસી ગયો,
- પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
મોરબીઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતોવા બનાવો વધતા જાય છે. ત્યારે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. તરણેતરના મેળાની મોજ માણીને બાઈક પર પરત ફરી રહેલા કાકા-ભત્રીજાનું કન્ટેનર ટ્રેલરની અડફેટે મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. કન્ટેનર ટ્રેલરનો ચાલક અકસ્માત બાદ નાસી ગયો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર ગામ પાસે વહેલી સવારે એક કન્ટેનર ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર કાકા ભત્રીજાનું મોત નિપજ્યું હતું. બનાવ બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે તાલુકા પોલીસ દ્વારા મૃતકના પરિવારની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર અવારનવાર ગમખ્વાર અકસ્માત સર્જાય છે. જેમાં નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટી અને વહીવટી તંત્ર દ્વારા અકસ્માતો ઘટાડવા માટે પ્રયાસો કરવામાં આવતા હોવાના દાવા વચ્ચે ફરી એકવાર રોડ અકસ્માતમાં 2 લોકોના ભોગ લીધા લેવાયા છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ મોરબીના લક્ષ્મી નગર ગામમાં રહેતા પ્રેમજીભાઈ મેઘજીભાઇ ભંખોડીયા અને તેમના ભત્રીજા રમેશભાઈ ભંખોડીયા બુધવારે રાત્રે બાઈક લઈને તરણેતરના મેળામાં ગયા હતા. ગુરુવારે સવારે બન્ને બાઈક પર મેળામાંથી પરત ફરતા હતા ત્યારે મોરબીના લાલપર ગામ નજીક એક કન્ટેનર ટ્રેલર સાથે બાઈક અથડાતા બન્નેને ગંભીર ઇજા પહોંચતા બન્નેના મોત નિપજ્યા હતા. જે બાદ બન્નેના મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.