પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેકને લઈને યુએનના મહાસચિવે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વિદ્રોહીઓએ કરેલા ટ્રેન હાઈજેકની ઘટનાના સમગ્ર દુનિયામાં ઘેરા પડઘા પડ્યાં છે. દરમિયાન આ ઘટનાને લઈને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કડક નિંદા કરી છે. તેમજ બંધકોને તાત્કાલિક મુક્ત કરવા માટે અપીલ કરી હતી. તેમજ કહ્યું હતું કે, સામાન્ય નાગરિકો ઉપર થતા આવા હુમલા અસ્વિકાર્ય છે. મહાસચિવના પ્રવક્તા સ્ટીફન ડુજારિક દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. ગુટેરેસે બંધકો વિશે ચિંતા વ્યક્ત કરીને તેમને તાત્કાલિક મુક્ત કરવા માટે અપીલ કરી છે.
પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં એક સુરંગમાં બલુચ આતંકવાદીઓએ પેસેન્જર ટ્રેન પર હુમલો કર્યા બાદ સુરક્ષા દળોએ ઓછામાં ઓછા 16 આતંકવાદીઓને ઠાર કર્યા અને 104 મુસાફરોને બચાવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જાફર એક્સપ્રેસ, નવ કોચમાં લગભગ 400 મુસાફરોને લઈને ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહી હતી, ત્યારે મંગળવારે બપોરે ગુડલર અને પીરુ કોનેરી વિસ્તારો વચ્ચે તેના પર ગોળીબાર થયો હતો. બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ સામે કાર્યવાહી ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી બધા મુસાફરોને ટ્રેનમાંથી બહાર કાઢવામાં ન આવે. અન્ય આતંકવાદીઓ કેટલાક મુસાફરોને પહાડી વિસ્તારોમાં લઈ ગયા હોવાના અહેવાલ છે અને સુરક્ષા દળોએ અંધારામાં તેમનો પીછો કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે બચાવેલા મુસાફરોમાં 58 પુરુષો, 31 મહિલાઓ અને 15 બાળકોનો સમાવેશ થાય છે અને તેમને બીજી ટ્રેન દ્વારા માખ (પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના કાચી જિલ્લાનું એક શહેર) મોકલવામાં આવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, "આતંકવાદીઓએ હવે અંધારાનો લાભ લઈને ભાગી જવાનો પ્રયાસ કરવા માટે નાના જૂથો બનાવી દીધા છે, પરંતુ સુરક્ષા દળોએ સુરંગને ઘેરી લીધી છે અને બાકીના મુસાફરોને પણ ટૂંક સમયમાં બચાવી લેવામાં આવશે." બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ પહેલા એક કોચમાંથી 80 મુસાફરો - 43 પુરુષો, 26 મહિલાઓ અને 11 બાળકો - ને બચાવવામાં સફળતા મેળવી હતી.