અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણો પર સંયુક્ત રાષ્ટ્રે ચિંતા વ્યક્ત કરી
સંયુક્ત રાષ્ટ્રે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણો પર ચિંતા વ્યક્ત કરી છે. અફઘાનિસ્તાનમાં માનવાધિકાર પરના સંયુક્ત રાષ્ટ્રના વિશેષ રાજદૂત રિચાર્ડ બેનેટે સંઘર્ષને કારણે મોટી સંખ્યામાં લોકોની જાનહાનિ અને સ્થળાંતર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બંને પક્ષોને સંયમ રાખવા, નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા વિનંતી કરી હતી.
તાલિબાન પ્રવક્તાના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ સવારે ભારે હથિયારોથી સરહદી વિસ્તાર પર હુમલો કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, આ હુમલામાં 12 અફઘાન નાગરિકો માર્યા ગયા હતા અને 100 થી વધુ ઘાયલ થયા હતા. તેમણે કહ્યું હતું કે અફઘાન સેનાને બદલો લેવાની ફરજ પડી હતી. તાલિબાન પ્રવક્તાએ દાવો કર્યો હતો કે આ હુમલામાં ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને કેટલીક ચોકીઓ કબજે કરવામાં આવી હતી.
પચીસ લોકોના મોત અને 80 થી વધુ ઘાયલ થયાના અહેવાલ છે. મોટી સંખ્યામાં માર્યા ગયેલા લોકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.