સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારથી UG સેમેસ્ટર-5 અને PG સેમેસ્ટર -3ની પરીક્ષા લેવાશે
- 115 કેન્દ્રો પરથી સ્નાતક સેમેસ્ટર-5ની પરીક્ષાઓ લેવાશે,
- અનુસ્નાતક સેમેસ્ટર-3ની પરીક્ષા 50 હજીરથી વધુ વિદ્યાર્થીઓ આપશે,
- પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા 89 ઓબ્ઝર્વર ફરજ બજાવશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. 11મી નવેમ્બરને મંગળવારથી સ્નાતક કક્ષાના સેમેસ્ટર- 5 અને અનુસ્નાતકના સેમેસ્ટર- 3ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થશે. સ્નાતકના સેમેસ્ટર 5ની પરીક્ષા 115 કેન્દ્રો પરથી લેવાશે, જ્યારે અનુસ્નાતક સેમેસ્ટર-3ના 50,228 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષા દરમિયાન 89 ઓબ્ઝર્વર સતત નિગરાની રાખશે. આ સાથે જ પરીક્ષા કેન્દ્રો ઉપર રાખવામાં આવેલા CCTV કેમેરાના મોનિટરિંગ થકી ગેરરીતિ અટકાવી શકાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે જણાવ્યુ હતુ કે, 11 નવેમ્બરથી દિવાળી બાદની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, જેને લઈને પરીક્ષા વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીએ સેમેસ્ટર- 5 રેગ્યુલરમાં 14465 અને એક્સટર્નલમાં 2160 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે બીકોમ સેમેસ્ટર- 5 રેગ્યુલરમાં 11980 તો એક્સટર્નલમાં 385 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આ ઉપરાંત સેમેસ્ટર- 5માં બીસીએમાં 6110, બીબીએમાં 3022 અને એલએલબીમાં 2290 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ સાથે જ એમકોમ સેમેસ્ટર- 3 રેગ્યુલરમાં 1675 અને એક્સ્ટર્નલમાં 1680 વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે. કુલ 37 કોર્સના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. 115 પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી અને સુપરવાઇઝર સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.