અમદાવાદમાં દારૂડિયા કારચાલકે પૂરફાટ ઝડપે એક્ટિવાને ટક્કર મારતા બે યુવાનોના મોત
- નરોડા-દહેગામ રોડ પર ગત રાતના સમયે બન્યો બનાવ,
- પૂરફાટ ઝડપે કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર એક્ટિવા સાથે અથડાઈ,
- ક્રેટાકારનો ચાલક દારૂના નશામાં લથડિયા મારતો હતો
અમદાવાદઃ શહેરમાં દારૂ પીને પૂરફાટ ઝડપે વાહનો ચલાવીને અકસ્માત સર્જવાના બનાવો વધતા જાય છે. થોડ દિવસ પહેલા જ બોપલ-આંબલી રોડ પર નશાબાજ કારચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા, ત્યારે બાદ હાઈકાર્ટ ઓવરબ્રિજ પર પૂરફાટ ઝડપે નશાબાજ કારચાલકે બે સાયકલસવારોને અડફેટે લીધા હતા. આ બન્ને બનાવો તાજા છે ત્યાં ગત રાતે નરોડા દહેગામ રોડ પર એક કારના ચાલકે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં બેફામ ડ્રાઈવીંગ કરી અકસ્માત સર્જતા બે નિર્દોષ યુવકોના મોત નિપજ્યા હતા. કારચાલક એટલી સ્પીડમાં હતો કે, ડીવાઈડર કૂદી કાર હવામાં ફંગોળાઈ હતી અને સામેની બાજુએ આવી રહેલા એક્ટિવાને ટક્કર મારતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. સ્થાનિક લોકોએ જ્યારે કારના ચાલકને ઝડપ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો અને લથડીયા ખાતો હતો. પોલીસે હાલ કારચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, દહેગામ નરોડા હાઇવે પર ગઈ રાતના સમયે એક્ટિવા ઉપર બે યુવકો જઈ રહ્યા હતા તે દરમિયાન એક સફેદ કલરની ક્રેટાકાર પૂર ઝડપે ડિવાઈડર કુદીને રોંગ સાઈડ પર આવી હતી અને એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા પર સવાર બે યુવાનો રોડ પર પટકાયા હતા. જેથી બંને યુવકોના સ્થળ પર જ મોત થયા હતા. આ બનાવને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને ક્રેટા કારના ડ્રાઇવર ગોપાલ પટેલ દારૂના નાશામાં ચકચૂર હોય લોકોએ કારમાંથી બહાર કાઢીને માર માર્યો હતો.ત્યારબાદ આરોપી ગોપાલને પોલીસને હવાલે કર્યો હતો. આ અકસ્માતમાં મૃતક યુવાનોના નામ અમિત રાઠોડ, (ઉ.વ.26 ) અને વિશાલ રાઠોડ,( ઉ.વ. 27)નો સમાવેશ થાય છે.
અમદાવાદ શહેરમાં નશો કરી વાહન ચલાવનારને જાણે પોલીસને કોઈ ડર જ ન હોય તેમ એકબાદ એક અકસ્માત સર્જી રહ્યા છે. સાત દિવસ પૂર્વે શહેરના બોપલ-આંબલી રોડ પર રિપલ પંચાલ નામના નબીરાએ નશો કરી અકસ્માત સર્જયો હતો. જેમાં સાતથી આઠ વાહનોને નુકસાન થયું હતું. સદનસીબે જાનહાનિ થતા અટકી હતી. આ બનાવના ગણતરીના દિવસોમાં જ નરોડા-દહેગામ રોડ પર એક કારચાલકે નશો કરેલી હાલતમાં પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી અકસ્માત સર્જતા બે નિર્દોષ યુવકોના મોત થતા પોલીસ કામગીરીને લઈ પણ સવાલ ઉઠ્યા છે.
આ અકસ્માત બાદ અમદાવાદ ગ્રામ્ય DSP ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે ક્રેટાકારનો ચાલક દારૂના નશામાં હતો.કાર ચાલક ઝાક ગામથી નશાની હાલતમાં ગાડી લઈને નીકળ્યો હતો.નરોડા તરફ જતા કાર ચાલકે રસ્તામાં રિક્ષાને ઓવરટેક કરવા જતા કાર ડિવાઈડર પર ચઢીને સામેના રોડ તરફ જતી રહી હતી અને સામેના રોડ પર એક્ટિવા પર આવેલા બે યુવકોને ટક્કર મારતા બંનેના સ્થળ પર જ મોત થયા હતા.બનાવની જાણ થતા કણભા પોલીસ સ્થળ પર પહોંચી હતી.પોલીસે આરોપીની ધરપકડ કરી છે.આરોપી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે.