ભાવનગરના ધોળા-ઉમરાળા હાઈવે પર ખાનગી બસની અડફેટે બાઈકસવાર બે યુવાનોના મોત
- બસે ટક્કર માર્યા બાદ રોડ પર પટકાયેલા બે બાઈકસવારોને હોસ્પિટલ ખસેડાયા હતા,
- સારવાર દરમિયાન બન્ને યુવાનોના મોત નિપજ્યા,
- ઉમરાળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
ભાવનગરઃ ધોળા-ઉમરાળા હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે બાઈક સવાર યુવાનોને અડફેટે લેતા આ અકસ્માતમાં બાઈકસવાર યુવરાજસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ અને તેમના મિત્ર ભદ્રરાજસિંહ સુજાનસિંહ ગોહિલનું મોત નિપજ્યુ હતુ. આ અકસ્માત અંગે ઉમરાળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, ગઢડા તાલુકાના સભાડીયા ગામના યુવરાજસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ (ઉં.વ.22) અને તેના મિત્ર ભદ્રરાજસિંહ સુજાનસિંહ ગોહિલ (ઉ.વ.39) ગઈકાલે બાઇક નંબર જીજે 05 એનપી 1337 લઈને ધોળા-ઉમરાળા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સુરત તરફ જઈ રહેલી સદગુરુ શિવમ ટ્રાવેલ્સની બસ નંબર એ.આર 06 સી 0444ના ચાલકે બાઈક સવાર બંને યુવાનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને યુવાનોને નાની મોટી ગંભીર ઈજા સાથે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ બંને મિત્રોને મૃત જાહેર કરાયા હતા. આ અંગે મૃતકના ભાઈ અક્ષયરાજ સુજાનસિંહ ગોહિલે બસ ચાલક વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ખાનગી લકઝરી બસના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
 
  
  
  
  
  
 