સુરતના દાંડી રોડ પર પૂરફાટ ઝડપે કાર નહેરમાં ખાબકતા બે યુવાનોના મોત
- દાંડી રોડ પર અભેટા ગામના પાટિયા પાસે મોડી રાતે બન્યો બનાવ,
- કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડની નહેરમાં ખાબકી,
- કારમાં સવાર બે યુવાનો બહાર નીકળી ન શકતા મોત નિપજ્યું
સુરતઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોનો બનાવો વધી રહ્યા છે. ત્યારે દાંડીરોડ પર વધુ એક અકસ્માત સર્જાયો છે. સુરત નજીક દાંડી રોડ પર આવેલા અંભેટા ગામના પાટીયા નજીક મોડી રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર નહેરમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં પાણીમાં ડૂબી જવાથી કારમાં સવાર બે યુવકોના મોત નીપજ્યા હતા.
આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, સુરત નજીક દાંડી રોડ પર આવેલા અંભેટા ગામના પાટીયા નજીક મોડી રાત્રે પૂરપાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર રોડની બાજુમાં આવેલી પાણીની નહેરમાં ખાબકતાં ફસાઈ ગઈ હતી અને અંદર રહેલા બે યુવકો બહાર નીકળી શક્યા નહોતા, જેના કારણે તેમના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ યુવકોના મોતના સમાચારથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.