સાવલીના મંજુસર GIDCમાં ડમ્પર ટ્રોલી વીજ વાયર સાથે અડી જતાં બે શ્રમિકો બળીને ખાક
- ડમ્પરની ટ્રોલી કચરો ઠાલવવા ઊચી કરતા 11 KV વીજ લાઈનને અડી ગઈ,
- ડમ્પરમાં ભીષણ આગ ફાટી નિકળી,
- ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી દીધી
વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી મંજુસર જીઆઇડીસીમાં એક ડમ્પરમાંથી કચરો ખાલી કરવા માટે ડમ્પરની બોગીને હાઈડ્રોલીકથી ઉંચી કરાતા 11 કેવીના વીજ વાયરને અડી જતાં જોરદાર આંચકા સાથે ડમ્પરમાં આગ ફાટી નિકળી હતી. આગમાં ડમ્પરમાં જ બે શ્રમિકા બળીને ખાક થઈ ગયા હતા. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં લાશ્કરો પહોંચી ગયા હતા અને ડમ્પરમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં ઔદ્યોગિક કચરો ઠાલવી રહેલા ડમ્પરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ડમ્પરની ઉપરથી પસાર થતી 11 કેવી લાઈનમાં ડમ્પરની ટ્રોલી અડી જતાં આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પરિણામે ડમ્પર ઉપર કચરો ઠાલવી રહેલા બે શ્રમજીવી ભડથું થઈ ગયા હતા. આ બનાવની જાણ જીઆઇડીસી ફાયરબ્રિગેડને કરવામાં આવતાં લાશ્કરો પહોંચી ગયા હતા અને પાણી મારો ચલાવીને ડમ્પરમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. જોકે આગ સંપૂર્ણ કાબૂમાં આવે એ પૂર્વે ડમ્પર હાડપિંજરમાં ફેરવાઈ ગયું હતું. એ સાથે બંને શ્રમજીવીઓ પણ ભડથું થઈ ગયા હતા. આ બનાવને પગલે જીઆઇડીસીમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
આ બનાવવાની જાણ સાવલી મામલતદારને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. એ સાથે મંજુસર પોલીસનો કાફલો પણ સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. જોકે હજુ સુધી બે વ્યક્તિ ક્યાંની રહેવાસી છે અને તેમનાં નામ અંગેની કોઈ માહિતી પોલીસને મળી નથી. પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે.