વડોદરામાં વરસાદને કારણે 100 વર્ષ જૂનું મકાન પડતા બે વાહનો દબાયા
- શહેરના નરસિંહજીની પોળમાં મકાન ધરાશાયી થયું
- ફાયરબ્રિગેડે દોડી આવીને કાટમાળ હટાવવાની કામગીરી કરી
- નાગરવાડામાં પણ મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો
વડોદરાઃ શહેરમાં સામવાર સાંજથી વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદને લીધે શહેરના નરસિંહજીની પોળમાં આવેલુ 100 વર્ષ જૂનુ મકાન ધરાશાયી થતાં બે સ્કૂટર દબાયા હતા. મકાન ધરાશાયી થયાની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો દોડી ગયા હતા. અને કાટમાળ કામગીરી હાથ ધરી હતી. આ બનાવમાં સદનસીબે કોઈ જામહાની થઈ નથી.
શહેરમાં ચાર દરવાજા વિસ્તારમાં આવેલી નરસિંહજીની પોળમાં આવેલુ 100 વર્ષ જૂનું મકાન એકાએક ધરાશાઈ થતાં આ વિસ્તારના સ્થાનિક રહિશો દોડી આવ્યા હતા. સ્થાનિક રહિશોના કહેવા મુજબ બપોરે 2 વાગ્યાના અરસામાં આ મકાનની 2 ઈંટો પડતા રસ્તા જતા રાહદારીઓને અમે ચેતવ્યા હતા કે દૂરથી ચાલજો. જોકે તેની 5 જ મીનીટમાં આખું મકાન એકાએક ધરાશાઈ થઈ ગયું હતું. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ફાયરબ્રિગડના જવાનોએ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
આ ઉપરાંત શહેરના દલાપટેલની પોળમાં 100 વર્ષ જૂના મકાનનુ છજ્જું પડ્યું હતું. સદનસીબે બન્ને ઘટનામાં કોઈ જાનહાની નહોતી થઈ. તેમજ નાગરવાડા પાસે આવેલી એક કોમ્પ્લેક્ષના સ્લેબનો કેટલોક ભાગ નીચે પડી જતા 5થી વધારે વાહનો દબાઈ ગયા હતા. મકાન માલિકના ભાઈએ જાણાવ્યું હતું કે, મકાન જર્જરીત હોવાને કારણે અમે પાલિકાને અરજી પણ આપી હતી. મકાનનો એક માળ ભાડુઆત પાસે છે. મકાન ધરાશાઈ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી હતી અને સ્થળને કોર્ડન કરીને કામગીરી હાથ ધરી હતી.