
LoC પાસે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર મરાયાં
જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ભારે હથિયારોથી સજ્જ બે આતંકવાદીઓને સૈનિકોએ ઠાર માર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના ગુરુવારે પૂંછ જિલ્લાના ખારી કરમારા વિસ્તારમાં બની હતી અને સવાર સુધી મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં, સેનાના જમ્મુ સ્થિત ‘વ્હાઇટ નાઈટ કોર્પ્સ’ એ જણાવ્યું હતું કે, “ગઈકાલે રાત્રે (ગુરુવારે) પૂંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર આતંકવાદીઓની હિલચાલ વિશે માહિતી મળી હતી અને સતર્ક સૈનિકોએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.” સેનાએ જણાવ્યું હતું કે આખી રાત ઓપરેશન ચાલુ રહ્યું, જેમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. સેનાના જણાવ્યા અનુસાર, સર્ચ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં આ વિસ્તારમાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.