વઢવાણ ભોગાવો નદીના ચેકડેમમાં નાહવા પડેલા બે કિશોરના ડૂબી જતા મોત
- વઢવાણના શનિદેવ મંદિર પાછળના ચેક ડેમમાં ત્રણ કિશોર નહાવા પડ્યા હતા
- બુમાબુમ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા, એક કિશોરનો બચાવ
- ફાયર, તરવૈયાઓની ટીમે બે કિશોરના મૃદેહ બહાર કાઢ્યા
સુરેન્દ્રનગરઃ વઢવાણમાં શનિ મંદિર પાછળ આવેલી ભોગાવો નદીના ચેકડેમમાં ત્રણ કિશોરો નહાવા માટે પડ્યા હતા. જેમાં બે કિશોરોના ડૂબી જતા મોત નિપજ્યા હતા. આ બનાવની ફાયર વિભાગને જાણ કરાતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા. અને તરવૈયાની મદદ લઈને ચેકડેમમાં શોધખોળ કરતા બન્ને કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા. અને બન્ને મૃતદેહને ગાંધી હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આપ્યા હતા.
આ બનાવની વિગતો એવી છે કે, વઢવાણ શહેરના શનિદેવ મંદિર પાછળ ભોગાવો નદીના ચેકડેમમાં પાણી ભરેલું છે. તેમાં બે બાળક ડૂબી ગયાનો બનાવ બન્યો હતો. આથી ફાયર વિભાગની ટીમ, તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. ચેકડેમાં તપાસ કરતા બન્ને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ બાબતે વઢવાણ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ બન્ને બાળકો જોરાવરનગરના રહીશ 13 વર્ષીય સુમીતભાઇ ગોવિંદભાઇ રાઠોડ અને બીજા કિશોરનું નામ 14 વર્ષીય તન્મય અશોકભાઇ ચૌહાણ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે વધુ તપાસમાં 3 મિત્ર પાણીમાં ન્હાવા ગયા દરમિયાન બે મિત્ર ઊંડા પાણીમાં જતા ગરકાવ થતા ડૂબી જવાથી મોત થયો હતો. જ્યારે બન્ને મૃતદેહ પીએમ અર્થે ગાંધી હોસ્પિટલ મોકલી વાલી વારસનો સંપર્ક કરી મૃતદેહ સોંપવા સહિત કાર્યવાહી હાથ ધરાઇ હતી