For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગરના રતનપરમાં સામાન્ય બોલાચાલીમાં યુવાન પર બે રાઉન્ડ ફાયરિંગ

05:57 PM Aug 21, 2025 IST | Vinayak Barot
સુરેન્દ્રનગરના રતનપરમાં સામાન્ય બોલાચાલીમાં યુવાન પર  બે રાઉન્ડ ફાયરિંગ
Advertisement
  • 5 શખસોએ ફાયરિંગ કર્યા બાદ યુવાન પર છરીથી હુમલો કર્યો,
  • ગંભીરરીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો,
  • જોરાવરનગર પોલીસે ગુનો નોંધીને નાસી ગયેલા શખસોની શોધખોળ આદરી

સુરેન્દ્રનગરઃ  શહેરના રતનપર વિસ્તારમાં સામાન્ય બોલાચાલીની અદાવતમાં કારમાં ધસી આવેલા પાંચ શખસોએ એક યુવાન પર ફાયરીંગ કરી તેમજ છરી વડે જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ફાયરિંગમાં બનાવ બાદ જોરાવરનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, સુરેન્દ્રનગર શહેર નજીક જોરાવરનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રતનપરમાં સામાન્ય બાબતમાં ફાયરિંગ કરવાના બનાવો બન્યો હતો. રતનપર સુધારા પ્લોટ વિસ્તારમાં રહેતા ઇમ્તિયાઝ માલાણીને અગાઉ ઇરફાન ગફુરભાઈ ભટ્ટી સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. જે બાબતનું મનદુઃખ રાખી ઇરફાન ગફુરભાઈ ભટ્ટીએ ઈમ્તિયાઝ માલાણી અને તેમના પિતરાઇ ભાઈ રોનક મોવરને વોટ્સએપ કોલ કરી રતનપર સુધારા પ્લોટ બહાર મુખ્ય રસ્તા પર બોલાવ્યા હતા અને ઈમ્તિયાઝ અને તેનો ભાઈ એક્ટિવા પર ત્યાં જઈ રહ્યા હતા. તે દરમિયાન સ્કોર્પિયો કારમાં 5 શખસો ધસી આવ્યા હતા અને ઈમ્તિયાઝ કાઈ સમજે તે પહેલા જ કાર વડે એક્ટીવાને ટક્કર મારી હતી. આથી ઈમ્તિયાઝ અને તેનો ભાઈ રોનક બંને એક્ટીવા પરથી નીચે પટકાયા હતા અને જીવ બચાવવા ઈમ્તિયાઝ અને રોનકે ત્યાંથી નાસી જવાનો પ્રયત્ન કરતા ઉશ્કેરાયેલા રિયાઝ ભટ્ટીએ તેની પાસે રહેલ હથિયાર વડે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ રમઝાને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ઈમ્તિયાઝને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે જાણ થતાં જોરાવરનગર પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ બનાવ મામલે ઈમ્તિયાઝના પિતરાઈ ભાઈ રોનક મોવરએ જોરાવરનગર પોલીસ મથકે ઇરફાન ગફુરભાઈ ભટ્ટી, ફારુક ભટ્ટી, રિયાઝ ભટ્ટી, હનીફ ભટ્ટી અને રમઝાન ભટ્ટી સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાવતા જોરાવરનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને હાલ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કાર કબજે કરી છે અને આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે. જો કે સામાન્ય બાબતમાં ફાયરિંગ બનાવને લઈને ફરી એકવાર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement