ભૂજ તાલુકાના શેખપીરમાં 19000 લિટર બોયોડીઝલ સાથે બે શખસો પકડાયા
- શેખપીર વિસ્તારમાં બોયોડીઝલનું ગેરકાયદે વેચાણ થતું હતું
- બાયોડીઝલના સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા
- પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ભુજઃ ગુજરાતમાં સસ્તા ભાવે ડીઝલના સ્થાને બનાવટી બાયોડીઝનું વેચાણ વધી રહ્યું છે. ટ્રક-ટ્રાન્સપોર્ટમાં બનાવટી હળકી કક્ષાના બાયોડીઝલથી પ્રદૂષણ વધે છે એટલું જ નહી પણ ટ્રકના એન્જિનને પણ નુકશાન થાય છે. સૌરાષ્ટ્ર અને કચ્છના હાઈવે પર ઠેર ઠેર બાયો ડીઝલ વેચવાના હાટડાં જોવા મળી રહ્યા છે. ત્યારે પુરવઠા વિભાગની ટીમે ભૂજના શેખપીર પાછળના વિસ્તારમાં પડતર જમીનમાં બાયોડીઝલના વેચાણનો પર્દાફાશ કર્યો હતો. પુરવઠા વિભાગની ટીમે 19 હજાર લીટરના જથ્થા બે શખસોને ઝડપી લીધા હતા. વધુ તપાસ પધ્ધર પોલીસ કરી રહી છે.
ભૂજના માધાપરથી શેખપીર વિસ્તારમાં બાયોડીઝલનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઊઠી હતી. જેના પગલે ભુજના પ્રાંત અધિકારી ડો.અનિલ બી. જાદવની સુચનાથી પુરવઠા અધિકારીની ટીમે ગઈકાલે સાંજે આ વિસ્તારમાં તપાસ આદરી હતી. દરમિયાન શેખપીરથી પાછળના ભાગે પડતર જમીનમાં ઉભેલા ટેન્કરમાં તપાસ કરાતાં પ્રાથમિક ધોરણે બાયોડીઝલ હોવાનું ખુલ્યું હતું. જેથી અંદાજે 19 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો સીઝ કરી ટેન્કર અને બાઇક સહિતનો મુદામાલ કબ્જે કરાયો હતો. બાયોડીઝલ સેમ્પલ તપાસ માટે મોકલી અપાયા છે. અને સ્થાનિકે નોકરી કરતા અને બાયોડીઝલનું વેચાણ કરતા સોમનાથના બે શખસોને ઝડપી પાડવામાં આવ્યા હતા. મુખ્ય સૂત્રધાર એટલે કે, સંચાલક માંડવી તાલુકાના તલવાણાનો હોવાનું ખુલ્યું છે. પધ્ધર પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે.
પુરવઠા વિભાગના સૂત્રોના કહેવા મુજબ કચ્છમાં કંડલા અને મુંદ્રા પોર્ટને લીધે ટ્રક-ટ્રાન્સપોર્ટનો ઉદ્યોગ પણ મોટો છે, ડીઝલના ભાવમાં વધારો થયા બાદ હવે નકલી બાયોડીઝલનું વેચાણ વધતું જાય છે. નકલી બાયોડીઝલ અડધા ભાવે મળતુ હોવાથી ટ્રક ઓપરેટરો નકલી બાયોડિઝલ પુરાવતા હોય છે. તેથી પ્રદૂષણ તો વધે જ છે પણ ટ્રકના એન્જનને પણ નુકસાન થાય છે.