સુરતમાં નકલી લીપ બામના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
સુરતઃ રાજ્યમાં શિયાળાની જોરદાર ઠંડી પડી રહી છે. ત્યારે ગુજરાતવાસીઓ પોતાની ત્વાચાની કાળજી માટે શિયાળામાં વિવિધ પ્રકારની વસ્તુઓના ઉપયોગ કરતા હોય છે. ત્યારે શિયાળામાં લોકો પોતાના હોઠની કાળજી માટે લીપ બામનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ સામાન્ય નાગરિકોની આ જરૂરિયાતોનો દુરઉપયોગ કરીને રાજ્યમાંથી નકલી લીપ બામ બનાવતા અધિકારીઓ અને કર્મચારીઓ ઝડપાયા છે.
આ મકાનમાંથી રુ. 1,11,440 નો નકલી જથ્થો મળ્યો હતો
મળતી માહિત મુજબ, કેટલાક ભેજાબાજો દ્વારા બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ લીપ બામનું વેચાણ કરતા સુરતના કાપોદ્રાના બે વેપારીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે 1.57 લાખની કિંમતનો બનાવટી લીપ બામનો જથ્થો સીઝ કર્યો હતો. અગાઉ સાબુ, શેમ્પૂ, લિકવિડ સહિતની ચીજવસ્તુઓ સુરતમાં ડુપ્લિકેટ બનતી હોવાનું સામે આવી ચૂક્યું છે. તો નિવિયા કંપની સાથે સંકળાયેલા ઇન્વેસ્ટિગેશન ઓફિસર કુંદન બોલાશે તેમની ટીમ સાથે કાપોદ્રા પોલીસને મળ્યા હતા. તેમની કંપનીના નામે ડુપ્લિકેટ લીપબામનું કાપોદ્રા વિસ્તારમાં કેટલાક શખસો વેચાણ કરી લોકોને છેતરી રહ્યા હોવાનું જણાવતાં પોલીસની એક ટુકડી તેમની સાથે જોડાઈ હતી.
કોપીરાઈટ એક્ટની કલમ 51, 63 અંતર્ગત ગુનો નોંધયો
પોલીસે કાપોદ્રા BSNL ઓફિસ પાછળ આવેલી સર્વોપરિ સોસાયટીના એક મકાનમાં દરોડા પાડ્યા હતા. આ મકાનમાંથી રુ. 1,11,440 નો નકલી જથ્થો મળ્યો હતો. બ્રાન્ડેડ કંપનીની બ્રાન્ડનાં સ્ટિકર તથા લોગો લગાવવામાં આવ્યા હતા. પરંતુ એક્સપર્ટે એ ચેક કરી બનાવટી હોવાનું જણાવ્યું હતું. આ જથ્થા સાથે ઝડપાયેલા વિપુલ નરોત્તમ કાછડિયાની પૂછપરછમાં તે આ જથ્થો કાપોદ્રા ચીકુવાડીમાં શ્રીજી સેલ્સના પૂર્વીશ ગોરધન સોજીત્રા પાસેથી લાવ્યાનું જણાવતાં ટીમ ત્યાં પણ પહોંચી હતી. તેની દુકાનમાંથી પણ વધુ રુ, 45,770 નો બનાવટી જથ્થો મળતા કાપોદ્રા પોલીસે બંને વિરુદ્ધ કોપીરાઈટ એક્ટની કલમ 51, 63 અંતર્ગત ગુનો નોંધ્યો છે. પોલીસે કુલ 1.57 લાખની મતાની કુલ 790 ડુપ્લિકેટ નિવિયાની બોટલ કબજે કરી આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.