બાબરા અને લીલીયા નજીક અકસ્માતના બે બનાવોમાં મહિલા સહિત 2ના મોત
- બાબરા નજીક બોલેરો પીકઅપ અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનું મોત,
- લીલીયા નજીક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત,
- પોલીસે અકસ્માતનો ગુનોં નોંધીને તપાસ હાથ ધરી
અમરેલીઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે અમરેલી જિલ્લામાં રોડ અકસ્માતના જુદા જુદા બે બનાવોમાં એક મહિલા સહિત બેના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ જિલ્લાના બાબરા તાલુકાના વાવડા અને કોટડાપીઠા રોડ પર બોલેરોકાર અને બાઈક વચ્ચે સર્જાયા બાઈકસવાર યુવકનું કરૂણ મોત નીપજ્યું હતુ, જ્યારે અન્ય બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈકસવાર 35 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક મહિલાની ઓળખ આંબા ગામના જાનવીબેન ઘનશ્યામભાઈ મંગાણી (ઉ.વ.35) તરીકે થઈ છે.
પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, બાબરાના વાવડા અને કોટડાપીઠાને જોડતા માર્ગ પર એક બોલેરો પીકઅપ વાહન અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં બાઇક સવાર વિશાલ ખીહડીયા નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતક વાવડા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે બાબરા પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અકસ્માતના બીજા બનાવની વિગતો એવી છે કે, લાઠીથી લીલીયા તરફ આવી રહેલી અમરેલી ST ડેપોની બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા બાઈક ST બસના પાછળના ભાગે અથડાતા જાનવીબેન રોડ પર પટકાયા હતા. તેમને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારજનો દ્વારા લીલીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. લીલીયા પોલીસે ST બસ ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તેની શોધખોળ અને ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.