અમદાવાદમાં અકસ્માતના બે બનાવોમાં 4 વર્ષના બાળક સહિત બેનાં મોત
- શહેરના ઓઢવ સિંગરવા રોડ પર ટ્રકે બાઇકસવાર યુગલને ટક્કર મારતા મંગેતરનું મોત,
- ઘોડાસરમાં રિક્ષા પલટી જતાં 4 વર્ષનાં બાળકનું મોત, માતા ઇજાગ્રસ્ત
- બન્ને બનાવોમાં પોલીસે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ અકસ્માતના બે બનાવો બન્યા હતા, અકસ્માતના પ્રથમ બનાવમાં ઓઢવના સિંગરવા રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર યુવક યુવતી રોડ પર પટકાયા હતા. જેમાં યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં ઘોડાસર બ્રિજ પાસે પૂરફાટ ઝડપે જતી રિક્ષાએ પલટી ખાતાં રિક્ષામાં સવાર 4 વર્ષિય બાળકનું મોત નિપજ્યું હતું, અકસ્માતના આ બન્ને બનાવમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના નરોડામાં રહેતા 30 વર્ષીય હિમાંશુ વ્યાસની સગાઈ રાજસ્થાનની ઉત્તીર્ણા ત્રિવેદી (ઉં.વ. 27) સાથે થઈ હતી. 22 ફેબ્રુઆરીએ રાત્રે ઉત્તીર્ણા ઉદયપુરથી ટ્રેનમાં નરોડા આવી હતી, જેથી હિમાંશુ તેમને બાઈક લઈને લેવા માટે ગયો હતો. નરોડા રેલવે સ્ટેશનથી બાઈક પર ઉત્તીર્ણાને બેસાડી ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે ઓઢવ શિંગરવા હાઈવે પર જગદંબા કોમ્પલેક્સ પાસે પહોંચ્યાં હતાં તે સમયે ઓવરસ્પીડમાં આવેલા ટ્રકે ટુવ્હીલરને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે હિમાંશુ તથા ઉત્તીર્ણા બંને રસ્તા પર પટકાયાં હતાં. બીજી બાજુ ટ્રકનું ટાયર ઉત્તીર્ણા પર ફળી વળ્યું હોવાથી ગંભીર ઈજાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે હિમાંશુને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયો હતો. આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે.
અકસ્માતના બીજા બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના જશોદાનગરમાં રહેતા 47 વર્ષીય તેજલબેન સરાણિયા છૂટક મજૂરી કરે છે. 19 ફેબ્રુઆરીએ તેઓ ચાર વર્ષના દીકરા દશરથ સાથે સાંજે જમાલપુરથી રિક્ષામાં બેસી જશોદાનગર ચાર રસ્તા જઈ રહ્યાં હતાં અને ઘોડાસર બ્રિજ પાસે પહોંચ્યા તે સમયે રિક્ષાચાલક ઓવરસ્પીડમાં રિક્ષા ચલાવી રહ્યો હતો, જેના કારણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેથી તેજલબેન તથા તેમનો દીકરો દશરથ રિક્ષા નીચે દબાઈ ગયા હતા. આ ઘટનાથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને બંનેને રિક્ષા નીચેથી બહાર કાઢ્યાં હતાં. તેજલબેનને સામાન્ય જ્યારે તેમના દીકરા દશરથને ગંભીર ઈજા પહોંચી હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન દશરથને મૃત જાહેર કર્યો હતો. આ મામલે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધ્યો છે.