મહારાષ્ટ્રના થાણેમાં રૂ. 22 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે બે શખ્સો ઝડપાયાં
મુંબઈઃ મહારાષ્ટ્રમાં નશાના કાળા કારોબારને નાથવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પોલીસે 22.28 લાખ રૂપિયાની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે બે લોકોની ધરપકડ કરી છે. આરોપીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા, પોલીસે શહાદ વિસ્તારમાં બે વ્યક્તિઓને શંકાસ્પદ રીતે ફરતા જોયા. ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે તપાસ બાદ પોલીસે તેના કબજામાંથી 1.114 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ ઉપેન્દ્રસિંહ ઉર્ફે ગોલી કમલેશસિંહ ઠાકુર (ઉ.વ. 24) અને વિશાલ હરેશ માખીજા (ઉ.વ. 34) તરીકે થઈ છે. બંને પર નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રતિબંધિત પદાર્થના સ્ત્રોત અને આરોપીઓની યોજના શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.