સુરતમાં માતાજીના મંદિર અને જૈન દેરાસરમાં ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં માતાજીના અંદિર અને જૈન દેરાસરમાં ચોરીના બનાવનો પોલીસે પર્દાફાશ કરીને ટોળકીના બે શખ્શોને ઝડપી લીધા હતા. ચોરીમાં અન્ય બે આરોપીઓના નામ ખુલતા પોલીસે તેમને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. તસ્કરોએ બંને ધાર્મિક સ્થળો ઉપરથી ભગવાનના સોનાના આભૂષણો અને મૂર્તિઓની ચોરી કરી હતી. પોલીસે તેમની પાસેથી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓની તપાસમાં ચોકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
સુરતના વેસુમાં આશાપુરી માતાના મંદિર અને દેરાસરમાંથી મૂર્તિ, સહિતની ચોરીમાં ક્રાઇમબ્રાંચે મૂળ રાજસ્થાનના અને હાલ વેસુ રહેતા બે સગા ભાઇઓને ઝડપી પાડ્યા હતા. બંને આરોપી બસમાં રાજસ્થાન ભાગી જાય તે પૂર્વે જ ક્રાઇમબ્રાંચે બંનેને દબોચી લઇ તેમનો કબજો વેસુ પોલીસને સોંપ્યો હતો. પોલીસે બંને પાસેથી મૂર્તિઓ, મુગટ, હાર, સ્ટીલના કડા અને રોકડ સહિત 58 હજારની મતા કબજે લીધી છે. ટોળકીના બે આરોપીઓ રાજસ્થાન ફરાર થઇ ગયા છે.
વેસુના મંદિર અને દેરાસરમાં થયેલી ચોરીમાં 90થી વધુ સીસીટીવી ચેક કરતાં ચારેય આરોપીઓના ચહેરા સામે આવી ગયા હતા. ક્રાઇમબ્રાંચે ટોળકીના મુખ્ય સૂત્રધાર 25 વર્ષીય ભાણીયા ઉર્ફે રાજુ ધર્મા મીણા અને 19 વર્ષીય મેંદીયા ઉર્ફે મહેન્દ્રને પકડી પાડી વેસુ પોલીસને સોંપી દીધા છે. સૂત્રધાર ભાણીયા અગાઉ અમદાવાદમાં બે વખત ધાડ, લૂંટમાં પકડાયો હતો. આશાપુરી મંદિરમાંથી ચોરાયેલો લાખોનો સોનાનો મુગટ અને પાદુકા મળ્યા નથી. વેસુમાં આશાપુરી મંદિરમાં ટોળકીએ બે વખત ચોરી કરી હતી. આરોપી ભાણીયા અને રાજુ અન્ય બે ચોરો લક્ષ્મણ અને રોહિતને ચોરી કરવા રાજસ્થાનથી લાવ્યા હતા. ચારેય બાંધકામ સાઇટ પર મજૂરી કરતા હતા.