આરોગ્ય વિભાગના અધિક સચિવ સહિત બે અધિકારી રૂ. 15 લાખની લાંચ લેતા પકડાયા
- સસ્પેન્ડ કરાયેલા બે તબીબો સામે કાર્યવાહી ન કરવા લાંચ માગી હતી
- બન્ને તબીબો પાસે 30 લાખની લાંચ માગી હતી, જેમાં પ્રથમ 15 લાખ લેતા પકડાયા
- લાંચમાં પકડાયેલો એક અધિકારી ડેન્ટલ કોલેજનો નિવૃત ડિન છે
અમદાવાદઃ ગુજરાતમાં સરકારી કામો લાંચ આપ્યા વિના થતા નથી એવી ફરિયાદો ઊઠી છે. જોકે આ મામલે એબીસી એલર્ટ છે. ફરિયાદ મળે એટલે તરત જ લાંચનું છટકું ગાઠવીને પગલાં લેવાતા હોય છે. પરંતુ ઘણા લોકો આવી માથાકૂટમાં પડ્યા વિના લાંચ આપી દેતા હોય છે. સરકારી અધિકારીઓ હવે તો પોતાના સ્ટાફને પણ છોડતા નથી. રાજ્યના આરોગ્ય વિભાગના અધિક સચિવ અને નિવૃત મેડિકલ કોલેજના ડીન રૂપિયા 15 લાખની લાંખ લેતા પકડાયા છે. લાંચ રૂશ્વત વિરોધી (એસીબી) વિભાગના અધિકારીઓએ લાંચનું છટકું ગોઠવીને બન્ને અધિકારીઓને 15 લાખની લાંચ લેતા પકડી પાડ્યા હતા.
રાજ્યના આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન ગિરીશ પરમાર લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા. અધિકારીઓએ ફરિયાદીની તરફેણમાં કામગીરી કરવા ફરિયાદી તથા સાથી ડોક્ટર પાસે 30 લાખની લાંચ માગી હતી. જ્યારે લાંચની રકમના એડવાન્સ 15 લાખ સ્વીકારતા લાંચિયા અધિકારીને ACBએ સફળ છટકું ગોઠવી ઝડપી પાડ્યા હતા.
આ કેસની વિગતો એવી છે કે, ફરિયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક (આરોગ્ય અને તબીબી સેવાઓ )તરીકે ફરજ નિભાવતા હતા. તે દરમિયાન તેઓએ આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતા ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને થઇ હતી. જેથી ફરિયાદી તથા તેઓના સાથી ડોકટરને ફરજ મૌકૂફ કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા બન્ને ડોકટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ અધિકારીએ આ ખાતાકીય તપાસ ઓકટોબર-2024માં પૂર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી-2025માં જમા કરાવ્યો હતો. તે દરમિયાન આરોપી નં-2 વચેટિયાએ ફરિયાદીનો સંપર્ક કરીને ફરિયાદી તથા તેમના સાથી ડોકટર બન્ને વિરુદ્ધની પ્રાથમિક તપાસના કામે તરફેણમાં કાર્યવાહી કરાવવા માટે આરોપી નં-1 સાથે મિટિંગ કરવા બોલાવ્યા હતા. જેથી ફરિયાદી અને તેમના સાથી ડોકટર મિત્ર ગાંધીનગર ખાતે જઇ બન્ને આરોપીઓને રૂબરૂમાં મળી વાતચીત કરતાં બન્ને આરોપીઓએ એકબીજાનાં મેળાપીપણામાં ફરિયાદી અને તેમના સાથી ડોકટર એમ બન્નેના 30 લાખની લાંચની માંગણી કરી હતી. તે પૈકી રૂ. 15 લાખ એડવાન્સ અને બાકીનાં કામ થઇ ગયાં પછી આપવાનો વાયદો થયો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બન્ને ફરિયાદી લાંચ આપવા માગતા નહતા, દરમિયાન આરોપી નં-2 ફરિયાદીને ફોન કરી નાણાંની માંગણી કરતા હતા, પરંતુ ફરિયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. તે મુજબ ACBએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ લાંચના છટકા દરમિયાન આરોપી નં-2એ ફરિયાદીને પોતાના ઘરે લાંચનાં નાણાં આપવા બોલાવી પોતાની અગાઉની માંગણી અનુસાર હેતુલક્ષી વાતચીત કરી લાંચનાં નાણાં સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.