રાજકોટથી દિલ્હીની બે નવી ફ્લાઈટ્સનો પ્રારંભ, ચેમ્બર્સએ આપ્યો આવકાર
- રાજકોટ-દૂબઈની ફ્લાઈટ શરૂ કરવા કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ કરી રજુઆત,
- સવારના સમયે ફલાઈટ મળવાથી દિલ્હીની કનેક્ટિવિટીમાં સરળતા થશે,
- મનસુખ માંડવિયા દિલ્હીથી ફ્લાઈટમાં રાજકોટ આવતા સ્વાગત કરાયું
રાજકોટઃ શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દિલ્હીની બે ફ્લાઈટ્લ આજે લાભ પાંચમથી શરૂ કરવામાં આવી છે. દિલ્હીથી ફ્લાઈટમાં કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયા રાજકોટ આવતા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે લાભ પાંચમનાં દિવસે શરૂ થયેલી બે નવી ફ્લાઇટને પ્રવાસીઓએ આવકારી હતી. કેન્દ્રિય મંત્રી માંડવિયાએ ફ્લાઇટમાં મુસાફરી કરવાનો અવસર મળવાની ખુશી વ્યક્ત કરી હતી. સાથે સાથે ટૂંક સમયમાં રાજકોટ-દુબઇની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે પોતે એવિએશન મંત્રાલયમાં રજુઆત કરી હોવાનું પણ જણાવ્યું હતું.
રાજકોટ નજીક અમદાવાદ હાઈવે પર હીસારસ ગામ પાસે કરોડોના ખર્ચે બનાવાયેલા ઈન્ટરનેશનલ એરપોર્ટને હજુસુધી વિદેશી વિમાનની સેવા મળી શકી નથી. આ અંગે મનસુખ માંડવિયાએ રાજકોટથી દુબઈની ફ્લાઇટ શરૂ કરવા માટે એવિએશન મંત્રાલયને રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ અને મોરબીના મહાજનો, વેપારીઓ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લાંબા સમયથી રાજકોટ- દિલ્હી વચ્ચે સવારની કનેક્ટિવિટીની માંગણી હતી. આ માંગણીને ધ્યાનમાં રાખીને ભારત સરકારના એવિએશન મંત્રાલય દ્વારા લાભ પાંચમના શુભ દિવસથી દિલ્હી માટે વધારાની બે ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આ બે ફ્લાઇટ એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા શરૂ કરાઈ છે. એર ઇન્ડિયાની પહેલી ફ્લાઇટમાં બેસીને તેમને પણ આવવાનો અવસર મળ્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું કે, આ બે ફ્લાઇટ સવારના સમયે દિલ્હી માટે ચાલુ થતા રાજકોટ - મોરબીના મહાજનો, વેપારીઓ અને ઉદ્યોગકારોને દિલ્હીની કનેક્ટિવિટી સ્મૂધ થશે, જેનાથી તેમના ધંધા-ઉદ્યોગને વેગ મળશે. આ સાથે જ યાત્રાળુઓ માટે પણ આ બંને ફ્લાઇટો પ્રવાસ માટે ઉપયોગી થશે.
માંડવિયાએ કહ્યું કે, રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે અને મોરબી, દ્વારકા, સોમનાથ, પોરબંદર જેવા યાત્રા સ્થળોને પણ જોડે છે. જ્યારે રાજકોટ અને મોરબીના ઉદ્યોગકારો માટે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલિંગ ખૂબ મહત્વનું હોય છે અને વિદેશથી વેપારીઓ રાજકોટ-મોરબીની સતત મુલાકાત લેતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં રાજકોટ-દુબઈ ફ્લાઇટ એટલે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થાય તે માટે એવિએશન મિનિસ્ટ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળવાથી રાજકોટના ઔદ્યોગિક વિકાસને પણ વધુ વેગ મળશે.
રાજકોટ - અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 2 વર્ષ બાદ દિલ્હીની સવારની ફ્લાઈટ આજથી શરૂ થઈ છે. રાજકોટથી દિલ્હીની વહેલી સવારની ફ્લાઈટ શરૂ થતા વેપારીઓ અને રાજકીય નેતાઓને ફાયદો થશે. ઈન્ડિગો દ્વારા 186 સીટર ફ્લાઈટ દરરોજ સવારે 8.05 વાગ્યે રાજકોટના હિરાસરમાં સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટથી પ્રસ્થાન કરશે અને 9.50 વાગ્યે દિલ્હી પહોંચશે. જે બાદ દિવસ દરમિયાન કામ પૂર્ણ કરી સાંજની 5.30 ની ફ્લાઈટમાં દિલ્હીથી રાજકોટ પરત ફરી શકશે. જેથી બિઝનેસ કોમ્યુનિટી એક જ દિવસમાં દિલ્હી જઈ પરત ફરી શકશે.