એનસીપી નેતા બાબા સિદ્દીકી હત્યા કેસમાં વધુ બે આરોપીઓ ઝડપાયાં
નવી દિલ્હીઃ મુંબઈમાં પૂર્વ મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા બાબા સિદ્દીકીની તેમની ઓફિસની બહાર નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ઘણા લોકોની ધરપકડ કરી છે. પરંતુ હવે પોલીસે વધુ 2 લોકોની ધરપકડ કરી છે. પંજાબ પોલીસે જણાવ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈ-રોહિત ગોદારા ગેંગના બે કાર્યકરોની ધરપકડ કરાઈ છે અને તેમના કબજામાંથી એક પિસ્તોલ જપ્ત કરી છે. પોલીસ મહાનિર્દેશક (DGP) એ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ રાજસ્થાનના શ્રીગંગાનગરના રહેવાસી જશનદીપ સિંહ ઉર્ફે જશન સંધુ અને શ્રી મુક્તસર સાહિબના ગુરસેવક સિંહ તરીકે થઈ છે.
દરમિયાન, પોલીસે જાલંધરમાં ભાજપ નેતા મનોરંજન કાલિયાના ઘર પર થયેલા ગ્રેનેડ હુમલાના મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. માહિતી મળી હતી કે આ કેસનો માસ્ટરમાઇન્ડ ઝીશાન અખ્તર છે, જે લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાથી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝીશાન અખ્તર બાબા સિદ્દીકી હત્યા કેસમાં પણ વોન્ટેડ છે. બાબા સિદ્દીકીની હત્યાએ આખા મુંબઈને હચમચાવી નાખ્યું હતું. લોરેન્સ બિશ્નોઈ ગેંગે આની જવાબદારી લીધી હતી.
માહિતી અનુસાર, બાબા સિદ્દીકી હત્યા કેસમાં ફરાર આરોપીઓમાં શુભમ લોંકર અને ઝીશાન અખ્તરનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાબા સિદ્દીકીની હત્યા ઝીશાન અખ્તરના કહેવાથી કરવામાં આવી હતી. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે ઝીશાન અખ્તર અને શુભમ લોનકર બંને બાબા સિદ્દીકીની હત્યા કરનારા તમામ આરોપીઓને સૂચનાઓ આપી રહ્યા હતા. મુંબઈ પોલીસ છેલ્લા ઘણા મહિનાઓથી ઝીશાન અખ્તરને શોધી રહી હતી.