ડિઝિટલ એરેસ્ટ કરીને રૂપિયા 2.50 લાખ પડવનારી ઠગ ટોળકીના બે શખસો પકડાયા
- ગાંધીનગરના દંપતીને 200 કરોડના મની લોન્ડરિંગ કૌભાંડ કર્યોનો ડર બતાવ્યો
- ED-CBI-સુપ્રીમ કોર્ટના લેટરપેડ મોકલી અઢી લાખ પડાવ્યા
- સુરેન્દ્રનગરના બે શખસો કમિશનથી બેન્ક એકાઉન્ટની સગવડ કરી આપતા હતા
ગાંધીનગરઃ રાજ્યમાં ડિઝિટલ એરેસ્ટના નામે રૂપિયા પડાવવાના બનાવો વધતા જાય છે. સરકાર લોકોને જાગૃત કરવા પ્રયાસો કરે છે. છતાં પણ ભણેલા-ગણેલા લોકો જ છેતરાતા હોય છે. ગાંધીનગરના સરગાસણનાં દંપતીને 200 કરોડના મની લોન્ડરિંગના સ્કેમમાં સંડોવણી હોવાનો ડર બતાવી ડિજિટલ અરેસ્ટ કરી અઢી લાખ રૂપિયા પડાવીને ઠગાઈ કરવાના કેસમાં સાયબર ગેંગના સુરેન્દ્રનગરના બે શખસને ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસે ગણતરીના કલાકમાં જ દબોચી લીધા હતા. બંને જણા ફ્રોડની રકમનું બે ટકા કમિશન લઈને બેંક એકાઉન્ટની સગવડ ઊભી કરી આંગડિયા મારફત પૈસા આગળ મોકલી આપતા હતા. સાયબર ક્રાઈમ પોલીસે અન્ય આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી હતી કે, ગાંધીનગરના સરગાસણનાં દંપતીને અલગ નંબરથી વ્હોટસએપ કોલ તેમજ વીડિયો કોલ કરી તેમના ખાતામાં 200 કરોડ જમા થયાનું જણાવી નવી દિલ્હી ખાતે નોંધાયેલી 56 એફઆઇઆરની નકલો મોકલીને પોલીસ અધિકારી/પોલિટિશિયન/બેંકકર્મચારી પણ સામેલ હોવાનો કારસો રચી 24 કલાક સુધી ડિજિટલ અરેસ્ટ કરી અઢી લાખની પડાવી લીધી હતી. આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ઠગાઈના આ ગુનામાં ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસે બે શખસોને ઝડપી લીધા છે.
ગાંધીનગરના સરગાસણના વિજયભાઈ વિશ્વકર્મા અને તેમનાં પત્નીને ત્રીજી જાન્યુઆરીએ સાંજના સાડાપાંચ વાગ્યાથી બીજા દિવસે સાંજના સાડાછ વાગ્યા પછી સીધા 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાનો કારસો રચી ડિજિટલ અરેસ્ટ કરી લેવાયાં હતાં. સાયબર ઠગોએ અજાણ્યા ઈન્ટરનેશનલ નંબરથી ફોન કર્યો હતો. બાદમાં મોબાઇલ હેક કરી લઈ વ્હોટ્સઅપ કોલ - વીડિઓ કોલ કરી મની લોન્ડરિંગ કેસમાં 56 FIR કમ્પ્લેનની નકલો મોકલી આપવામાં આવી હતી. આ કૌભાંડમાં પોલીસ અધિકારી/ પોલિટિશિયન/ બેંક કર્મચારી પણ સામેલ હોવાનું કહી સઘળી વાત કૉન્ફિડેન્ટલ રાખવાની સૂચના પણ આપી હતી અને ઇડી/સી.બી.આઇ/સુપ્રીમ કોર્ટના લેટરપેડના કાગળો મોકલી આપ્યા હતા. દંપતીને હાઉસ અરેસ્ટ કરી રાત્રિના સમયે પણ સતત વીડિયો કોલ તથા લાઇટ ચાલુ રાખવાની ફરજ પાડી બેંક એકાઉન્ટ સહિતની વિગતો મેળવી લેવાઈ હતી. અને સતત 24 કલાક સુધી દંપતીને માનસિક ટૉર્ચર કરવામાં આવ્યું હતું, જેને પગલે વિજયભાઈ ભેજાબાજોના કહેવા મુજબના બેંક એકાઉન્ટમાં અઢી લાખ RTGSથી ટ્રાન્સફર કરી દીધા હતા.
આ મામલે ગુનો દાખલ થતાં એસપી રવિ તેજા વાસમશેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ રાકેશ ડામોર સહિતની ટીમે ગણતરીના કલાકમાં ટેક્નિકલ સોર્સના માધ્યમથી ભાવેશ મનોજભાઈ નિમાવત (ઉં.વ.26, રહે, શેરી નં-13 મહાલક્ષ્મી મંદિરની પાસે, જોરાવરનગર, સુરેન્દ્રનગર) તેમજ યશ સુભાષભાઇ દંગી (ઉં.વ.28 રહે. શેરી નં 8, એમ.જી.રોડ, સ્કૂલ નં-7ની પાસે, જોરાવરનગર, સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી છે, આ અંગે પીઆઇ ડામોરે જણાવ્યું હતું કે ભાવેશ - યશ ઓનલાઇન ગેમિંગ સટ્ટાની લત ધરાવે છે. તેઓ દોઢેક મહિનાથી વર્ચ્યુઅલી સાયબર ઠગોના સંપર્કમાં આવ્યા હતા. બન્નેને સેવિંગ - કરન્ટ બેંક એકાઉન્ટોમાં ગેમિંગ તથા જીએસટીના પૈસા આવશે એમ જણાવી અલગ- અલગ બેંક એકાઉન્ટમાં આવેલી રકમનું પોતાનું 2 ટકા કમિશન કાપી આંગડિયા મારફત આગળ મોકલી આપવાનું કામ સોંપાયું હતું. જેથી દોઢેક મહિનાથી તેમણે પરિચિત બેંક હોલ્ડરોને પૈસાની લાલચ આપી અંદાજિત 40-45 જેટલા સેવિંગ તથા કરન્ટ બેંક એકાઉન્ટો ખોલાવેલાં હતાં.