રાતના સમયે પ્રવાસી બનીને એસટી બસમાં બેસી લગેજની ચોરી કરતા બે શખસો પકડાયા
- લકઝરી બસમાં પેસેન્જર તરીકે બેસી પ્રવાસીના લગેજમાંથી દાગીના ચોરતા હતા,
- બન્ને શખસો અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણાની બસોને ટાર્ગેટ કરતા હતા,
- ક્રાઈમ બ્રાન્ચે 14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
અમદાવાદઃ નડિયાદ, મહેસાણા, વડોદરા, સુરત તેમજ અમદાવાદથી ઉપડતી એસટી બસ તેમજ લક્ઝરી બસોમાં રાતના સમયે મુસાફર તરીકે બેસીને પ્રવાસીઓના લગેજની ચોરી કરતા બે શખસોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. બન્ને આરોપી પાસેથી પોલીસે 10 લાખના દાગીના અને રોકડા 4 લાખ મળીને 14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અમદાવાદ સહિત શહેરોમાંથી રાતના સમયે ઉપડતી લક્ઝરી બસ તેમજ એસટીની બસમાં પેસેન્જર તરીકે બેસીને પેસેન્જરોના સામાનમાંથી પૈસા, દાગીના, મોબાઇલ ફોન સહિતની કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરતા બે આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. બંને શખસો પાસેથી 10 લાખના દાગીના અને રોકડા 4 લાખ મળીને 14 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. બંને આરોપીઓએ ત્રણ માસમાં સંખ્યાબંધ પેસેન્જરોના સામાનમાંથી દાગીના પૈસાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી .
ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વિશાલ દેવીપૂજક અને કરણદેવી પૂજક નામના બે આરોપીની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે નડિયાદના છે. અને રાતના સમયે નડિયાદ, મહેસાણા, વડોદરા, સુરત તેમજ અમદાવાદથી ઉપડતી એસટી બસ તેમજ લક્ઝરી બસોમાં મુસાફર તરીકે બેસી જતા હતા. ત્યારબાદ મોડી રાત્રે પેસેન્જરો સૂઈ ગયા બાદ સામાનમાંથી પૈસા-દાગીના ચોરી લેતા હતા.આરોપીઓએ પૂછપરછમાં કહ્યુ હતું કે, રાતના સમયે પ્રવાસીએના લગેજમાંથી ચોરી કરવાથી પેસેન્જર સવારે બસમાંથી ઉતરથી વખતે સામાન ચેક કરતા નથી જેના કારણે તેમને ઘરે ગયા પછી જ ચોરી થયાની જાણ થાય છે. જેથી તેઓ પોલીસ ફરિયાદ પણ કરતા નથી. જેનો લાભ લઈને આ બંને જણા લાંબા સમયથી આ જ રીતે ચોરી કરતા હતા.