થરાદમાં 37.50 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે શખસો પકડાયા
- થરાદની ખોડા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન બે શખસો ડ્રગ્સ સાથે પકડાયા,
- રાજસ્થાનથી 375 ગ્રામ ડ્રગ્સનો જથ્થો લવાતો હતો
- પોલીસે બન્ને શખસોને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી
થરાદઃ જિલ્લા પોલીસ વડાની સુચનાથી હાઈવે પર તેમજ અંતરિયાળ રસ્તાઓ પર પોલીસ દ્વારા સઘમ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન થરાદની ખોડા ચેકપોસ્ટ ખાતેથી સઘન વાહન ચેકીંગ દરમિયાન 37.50 લાખના MD ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. બન્ને શખસો રાજસ્થાનથી મેફેડ્રોન ડ્રગ્સનો 375 ગ્રામ જથ્થો લઈને આવી રહ્યા હતા ત્યારે વાહનચેકિંગ દરમિયાન પકડાઈ ગયા છે.
થરાદના ડીવાયએસપી એસ. એમ. વારોતરીયા દ્વારા "NO DRUGS" અભિયાન ચલાવવામાં આવ્યું છે. જે અંતર્ગત થરાદ પોલીસ ટીમે પોલીસ મથક વિસ્તારમાં માદક પદાર્થ અને નશીલા પદાર્થ વેચાણ, વેપાર કરતા ઈસમો પર સતત વોચ ગોઠવી હતી. તેમજ આંતર રાજ્યમાંથી ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા અને આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ઈસમો ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે. નશીલા પદાર્થોના નેટવર્ક ઝડપી શકાય તે માટે થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ નજીક પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. અહીં સઘન વાહન ચેકિંગ દરમિયાન નશીલા પદાર્થના નેટવર્કનો પર્દાફાશ થયો છે. થરાદ પોલીસને ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન સાંચોર તરફથી આવતા વાહનોમાં પેસેન્જર વાહન ચેકીંગમાં એક પેસેન્જર ઈકો ગાડીમાં બેઠેલા ઈસમો શંકાસ્પદ જણાતા તલાશી લેવામાં આવતા તેના કબજાની કોલેજ બેગમાં સેલોટેપ પટ્ટી વિટાળી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ (MD ડ્રગ્સ) મળી આવ્યું હતું. મળી આવેલા 375 ગ્રામ MD ડ્રગ્સ જેની અંદાજિત કિંમત રૂ. 37.50 લાખ છે. ત્યારે પોલીસ દ્વારા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 37.55 લાખનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ કેસમાં પોલીસે બે શખસોને ઝડપી લીધા છે. જેમાં 24 વર્ષીય રાકેશકુમાર હીરારામજી પ્રેમારામજી બિશ્નોઈ (પુનિયા) મૂળ રાજસ્થાનના ફલોદી જિલ્લાનો રહેવાસી છે અને જે હાલમાં 11, શિવનગર મહામંદિર જોધપુરમાં રહે છે. તેમજ મુદ્દામાલ મંગાવનાર મોહમ્મદ અબ્દુલ મોખા ભુજ વાળાને ઝડપી લીધો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી થરાદ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.