વડોદરામાં કંપની બંધ કરાવી દેવાની ધમકી આપી 15 કરોડની ખંડણી માગનારા બે શખસો પકડાયા
- બે આરોપીઓએ પ્રદૂષણના આરોપ લગાવી કંપની બંધ કરાવવાની ધમકી આપી હતી,
- ખાનગી હોટેલમાં મિટિંગના બહાને છટકું ગોઠવી આરોપીઓને રંગેહાથ ઝડપી લેવાયા,
- કારમાં લાલ-ભૂરી લાઇટ અને બાઉન્સર સાથે પહોંચતા શંકા ગાઢ બની હતી,
વડોદરાઃ ટૂંડાવમાં આવેલી એક કંપનીના ડાયરેક્ટર સાજી જોશને એનજીટી (National Green Tribunal)ના અધિકારીની ઓળખ આપીને તમારી કંપની પોલ્યુશન ફેલાવે છે, કંપની બંધ કરાવી દઈશું કહીને 15 કરોડની ખંડણી માગનારા બે શખસોની સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. આ બંને ખંડણીખોરને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી સુનિલ મહિડા અને જીતસિંહ રાણાએ પ્રદૂષણના ખોટા આરોપ લગાવી કંપની બંધ કરાવવાની ધમકી આપી હતી. બાદમાં ખાનગી હોટેલમાં મિટિંગના બહાને છટકું ગોઠવી આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ આરોપીમાં એક રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાનો પ્રમુખ છે, તેનુ કાર્ડ તપાસ માટે લેવાના આવ્યું છે અને તપાસ ચાલુ છે. જ્યારે બીજો આરોપી સુનિલ મહિડા કારમાં લાલ-ભૂરી લાઇટ અને બાઉન્સર સાથે પહોંચતા શંકા ગાઢ બની હતી. કંપની ડાયરેક્ટરે વાતચીતની ઓડિયો ક્લિપ સાથે પોલીસમાં BNS કલમ 308(2), 319, 351, 61 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં બંને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ફરવામાં આવી છે.
આ બનાવની વિગત એવી હતી કે, ગઈ તા. 22 ઓક્ટોબરે ટુંડાવમાં રહેતો જીતસિંહ રાણા ઉર્ફે દાઉદ તથા સુનિલ મહિડા કંપનીમાં ગયા હતા અને રિપબ્લીક પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ ઓફ ગુજરાતનું કાર્ડ આપ્યું હતું. જીતસિંહએ ડાયરેક્ટર સાજીને ફોન પર કહ્યું હતું કે, જે આવ્યા છે તેમને વાત કરી લેજો. ગામ લોકોએ કંપની વિરૂદ્ધ પોલ્યુશન બાબતે ફરિયાદ કરી છે. કંપની બંધ કરાવી દે એટલી તેમની હેસિયત છે. ત્યારબાદ 30 ઓક્ટોબરે સયાજીગંજની એફોટેલ હોટેલમાં મિટિંગમાં સાજી સહિત ત્રણ કર્મી પહોંચ્યા હતાં, ત્યાં જીતસિંહ આવ્યો હતો. થોડીવારમાં એક કારમાં લાલ-ભૂરી લાઈટ ચાલુ રાખી સુનિલ મહિડા પહોંચ્યો હતો. તેની સાથે ચાર બાઉન્સર તથા ડ્રાઈવર ઉતર્યાં હતા. સાજીએ કહ્યું કે, ગામ લોકોની શું ફરિયાદ છે? ત્યારે તેઓએ કહ્યું હતું કે, 2 હજાર લોકોને સ્વાસ્થ્યને ખતરો છે. સાજીએ કંપની જીપીસીબીના નિયમોનું પાલન કરે છે. 30 વર્ષથી ટુંડાવ-મહારાષ્ટ્રમાં પ્લાન્ટ છે. કોઈ ફરિયાદ નથી. ત્યારબાદ સુનિલે કોઈ સરકારી અધિકારી શ્રીવાસ્તવને ફોન કરી અંગ્રેજીમાં વાત કરી હતી અને કંપનીના માણસો નેગોશિયેટ કરે છે તેમ કહ્યું હતું. ત્યારબાદ તેઓએ જણાવ્યું કે, તમારે શોર્ટ-આઉટ કરવું છે કે કેમ? આમાં અમારી સાથે અધિકારીઓ છે, તેમને રૂ.15 કરોડ આપવા પડશે, નહીં તો એનજીટીના અધિકારીઓ કંપની બંધ કરાવી દેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કંપનીના કર્મીઓએ કહ્યું હતું કે, કંપની સરકારના નિતી નિયમો મુજબ ચાલે છે. તો શાના રૂપિયા આપવાના? જોકે, ત્યારે જીતસિંહે કહ્યું હતું કે, આ લોકો ઘણા પાવરફુલ છે. ગમે-તેમ કરીને ખોટી ફરિયાદ કરીને ગામના લોકોને ભેગા કરી કંપની બંધ કરાવી દેશે. કંપનીના કર્મીઓએ થોડો સમય માગ્યો હતો. ત્યારબાદ જીતસિંહ અવારનવાર ફોન કરી રૂપિયા બાબતે પૂછ્યા કરતો હતો. પોલીસે છટકુ ગોઠવીને બન્ને શખસોને ઝડપી લીધા હતા.