ગોંડલના ગુંદાસરા ગામે ચેકડેમમાં મૂર્તિ વિસર્જન માટે ગયેલા બે શ્રમિક યુવાનો ડૂબ્યા
- વસંતપંચમીએ બિહારી શ્રમિક યુવાનો મૂર્તિ વિસર્જન માટે ગયા હતા
- ચેકડેમમાં ઊંડા પાણીમાં આગળ વધતા બન્ને યુવાનો ડુબવા લાગ્યા
- ગ્રામજનોએ દોડી આવીને બન્નેના મૃતદેહો ડેમમાંથી બહાર કાઢ્યા
રાજકોટઃ ગોંડલના ગુંદાસરા ગામે વસંત પંચમીના દિને બિહારી શ્રમિક પરિવારો સરસ્વતી માતાજીના વિસર્જન માટે ગામ નજીક આવેલા ચેકડેમમાં ગયો હતો. જ્યાં મૂર્તિના વિસર્જન માટે ઊંડા પાણીમાં જતાં બે યુવાનોના ડુબી જતા મોત નિપજ્યા હતા.
આ બનાવની વિગતો એવી છે કે, ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે વસંત પંચમી નિમિત્તે ઊજવણીનો માહોલ અચાનક માતમમાં ફેરવાઈ ગયો હતો. સુપ્રીમ કાસ્ટ ફેક્ટરીમાં કામ કરતા બે બિહારી શ્રમિક યુવાનો સરસ્વતી માતાની મૂર્તિના વિસર્જન દરમિયાન જીવ ગુમાવ્યો હતો. આ ઘટના 3 ફેબ્રુઆરીની સાંજે બની હતી, 12થી 15 જેટલા બિહારી પરિવારના સભ્યો ગાજતે-વાજતે મૂર્તિને ગામ નજીકના ચેકડેમ સુધી વિસર્જન માટે લઈ ગયા હતા. વિસર્જન દરમિયાન 23 વર્ષીય અમનકુમાર ગૌતમરાય અને 20 વર્ષીય કુમાર ગૌરવ સુભાષ માલાહર ઊંડા પાણીમાં આગળ વધ્યા અને ડૂબવા લાગ્યા. લોકો બચાવ કરે તે પહેલાં જ બંને યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં ફેક્ટરીના માલિક અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગોંડલ ફાયર બ્રિગેડની ટીમે બંને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કરુણતા એ છે કે મૃતક કુમાર ગૌરવ પરિણીત હતો અને તેમને 6 માસનો પુત્ર છે, જ્યારે અમનકુમાર અપરિણીત હતો. બંને યુવાનો છેલ્લા 6 માસથી સુપ્રીમ કાસ્ટ ફેક્ટરીમાં કાર્યરત હતા. સમગ્ર ઘટનાની તપાસ તાલુકા PSI આર.આર. સોલંકી કરી રહ્યા છે.