રાજકોટના 150 ફુટ રિંગરોડ પર કન્ટેનરે પલટી ખાતા બેનાં મોત, ત્રણને ઈજા
- ફાયર બ્રિગેડેપલટી ખાધેલા કન્ટેનરમાંથી ત્રણ જણાનું રેસ્ક્યૂ કરી સારવાર માટે ખસેડ્યા,
- 2 ક્રેન, 3 JCBની મદદથી કન્ટેનરમાં દબાયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં,
- પલટી ખાધેલા કન્ટેનરમાં હિટાચી જેવું એક મશીન અને પાઈપો ભરેલી હતી
રાજકોટઃ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ગોંડલ ચોકડી નજીક ગત રાતે કન્ટેનર પલટી જતા બે વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. અન્ય ત્રણ લોકોને ઈજા થતાં તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે સ્થળે દોડી ગઈ હતી. અને બે ક્રેન, 3 JCBની મદદથી કન્ટેનરમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતાં.
આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ શહેરના 150 ફુટ રિંગ રોડ પર ગોંડલ ચોકડી નજીક ગઈકાલે સમીસાંજ બાદ એક કન્ટેનરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કન્ટેનરે પલટી ખાધી હતી. આ બનાવની ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરાતા પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કન્ટેનરની અંદરથી ત્રણ લોકોને બચાવી લઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે બે વ્યક્તિ કન્ટેનરની નીચે દબાયેલા હતા, તેને ક્રેઇનની મદદથી કન્ટેનર ઊંચું કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે બંનેના મૃતદેહો જ હાથ લાગ્યા હતા. ફાયર બ્રિગેડની શબવાહિની મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થળ ઉપર 108નો સ્ટાફ, પોલીસ સ્ટાફ, મામલતદાર તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ, જેમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવે, સ્ટેશન ઓફિસર શેખ,સબ ફાયર ઓફિસર ખોખર, મવડી ફાયર સ્ટેશન અને કોઠારીયા રોડ ફાયર સ્ટેશનનો 20 કર્મચારીનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો. રાત્રે 11:50 વાગ્યે આ કામગીરી પુરી કરવામાં આવી હતી.
ફાયર વિભાગના સૂત્રોના કહેવા મુજબ, એક કન્ટેનર પલટી ખાઈ ગયું છે. આ કન્ટેનરમાં હિટાચી જેવું એક મશીન અને પાઈપો હતી. ઘટના સમયે કન્ટેનરમાં અમુક લોકો પણ હાજર હતા. ત્રણ વ્યક્તિઓને ફાયર બ્રિગેડના પહોંચતા પહેલાં જ સ્થાનિક લોકો દ્વારા હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. કન્ટેનર નીચે એકથી બે વ્યક્તિ ફસાયા હોવાથી ઘટનાસ્થળે એક ક્રેન બોલાવવામાં આવી હતી.