ખંભાળિયા નજીક અને રાજકોટ-બગોદરા હાઈવે પર અકસ્માતના બે બનાવમાં બેના મોત
- ખંભાળિયા-ભાઈવડ હાઈવે પર હીટ એન્ડ રન
- કાર અકસ્માતમાં યુવાનું મોત
- બગોદરા હાઈવે પર BMW કાર અકસ્માતમાં પલટી ખાંતા એકનું મોત
રાજકોટઃ રાજ્યમાં હોઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ખંભાળિયા-ભાઈવડ હાઈવે પર હીટ એન્ડ રનના બનાવમાં રાહદારીનું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં બગોદરા હાઈવે પર બીએમડબલ્યુ કાર પલટી જતા એકનું મોત નિપજ્યું હતુ. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.. બંને ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, ખંભાળિયા-ભાઈવડ હાઈવે પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રીના પરિવારજનો પગપાળા માનતા ઉતારવા ભૂતવડ મંદિરે જઈ રહ્યા હતા આ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલો કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં 35 વર્ષીય જિતેન્દ્ર લાલજી નકુમનું ઘટનાસ્થળે મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસ કારચાલક આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતના બીજા બનાવની વિગતો એવી છે કે, રાજકોટ બગોદરા હાઈવે પર મીઠાપુર ગામના પાટીયા પાસે BMW કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને બગોદરા પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.