અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક અજાણ્યા વાહનની અડફેટે બેના મોત
- લીંબડીના પાણશીણા નજીક હાઈવે પર હીટ એન્ડ રનનો બનાવ,
- અજાણ્યા વાહને એક્ટિવા સ્કૂટરને ટક્કર મારી પલાયન,
- એક્ટિવાસવાર બે યુવાનોના ઘટનાસ્થળે મોત
લીંબડીઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડીના પાણશીણા નજીક હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે. કોઈ અજાણ્યા વાહને એક્ટિવા સ્કૂટરને ટક્કર મારતા સ્કૂટસવાર બેના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર પાણશીણા ગામના પાટિયા નજીક એક અજાણ્યા વાહને પુરપાટ ઝડપે આવીને એક એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા પર સવાર બે વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ તેમણે જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. લીંબડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર વાહનચાલકને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાએ ફરી એકવાર લીંબડી-અમદાવાદ હાઇવે પર વાહનચાલકોની બેફામ ગતિ અને બેદરકારીનો મુદ્દો ઉઠાવ્યો છે. સ્થાનિકો દ્વારા આ માર્ગ પર ટ્રાફિક નિયમન અને સુરક્ષાના કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. મૃતકોની ઓળખ કરવા માટે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.