For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરાના દેરોલી ગામના નજીક પૂરફાટ ઝડપે કાર નર્મદા કેનાલમાં પડતા બેના મોત

02:52 PM Jul 20, 2025 IST | Vinayak Barot
વડોદરાના દેરોલી ગામના નજીક પૂરફાટ ઝડપે કાર નર્મદા કેનાલમાં પડતા બેના મોત
Advertisement
  • બેફામ ઝડપે કાર પાળી તોડી નર્મદા કેનાલમાં ઊંધી ખાબકી,
  • બોનેટનો ભાગ ડૂબી જતાં ડ્રાઇવર અને બાજુમાં બેઠેલાએ જીવ ગુમાવ્યો,
  • કારની પાછળનો કાચ તૂટી જતાં બેનો બચાવ

વડોદરાઃ  જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે નર્મદા કેનાલમાં અકસ્માતે કાર પડતા બેના મોતનો બનાવ બન્યો છે. કરજણ તાલુકામાં નારેશ્વરથી કુરાલી જતા રસ્તા પર દેરોલી ગામ નજીક નર્મદા કેનાલના વળાંક પાસે રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર પૂરઝડપે નર્મદા કેનાલમાં ખાબકી હતી, જેમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે, જ્યારે કારમાં પાછળ બેઠેલા બે લોકોનો સામાન્ય ઈજા પહોંચવાની સાથે આબાદ બચાવ થયો હતો. કાર ઊંધી પાણીમાં પડતાં ચાલક અને તેની બાજુમાં બેસેલી વ્યક્તિ બહાર ન નીકળી શકતાં જીવ ગુમાવ્યો હતો.

Advertisement

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  નારેશ્વરથી કુરાલી વચ્ચે દેરોલી ગામ નજીક નર્મદા કેનાલના વળાંક પાસે કારના ચાલક હિતેશભાઈએ ઝડપથી અને બેદરકારીથી કાર હંકારતાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ કારણે કાર કેનાલની પાળી તોડીને પાણીમાં ખાબકી હતી અને ઊંધી થઈ ગઈ હતી. કારનો આગળનો ભાગ પાણીમાં ડૂબી ગયો હતો.  જ્યારે પાછળનો ભાગ ઉપર રહ્યો હતો. કારનો પાછળનો કાચ તૂટી જતાં નરેશભાઈ એમાંથી બહાર નીકળી ગયા હતા. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોની મદદથી ભરતભાઈને કારનો પાછળનો દરવાજો ખોલી બહાર કાઢવામાં આવ્યા હતા. ભરતભાઈને ડાબી આંખ અને છાતીના ભાગે ઈજા થઈ હતી અને તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા કરજણ સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા, જ્યાં તેમની સારવાર ચાલુ છે.  કારનો આગળનો ભાગ પાણીમાં ડૂબેલો હોવાથી કારચાલક હિતેશભાઈ ઠાકોરભાઈ પાટણવાડિયા અને બાજુમાં બેસેલા અરવિંદભાઈ ભયલાલભાઈ પાટણવાડિયા બેભાન હાલતમાં હતા. ઘણી જહેમત બાદ તેમને બહાર કાઢવામાં આવ્યા, પરંતુ કરજણ સરકારી હોસ્પિટલના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કરજણ સરકારી દવાખાને મોકલવામાં આવ્યા છે.

આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માતનું કારણ ઝડપી અને બેદરકાર ડ્રાઈવિંગ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરીમાં સક્રિય ભાગ લેવાયો હતો, પરંતુ બે વ્યક્તિના જીવ બચાવી શકાયા નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement