શામળાજી હાઈવે પર રણાસણ ચોકડી પાસે કન્ટેનરે રિક્ષાને અડફેટે લેતા બેના મોત
- કન્ટેનરે અડફેટે લીધા બાદ ત્રણ પ્રવાસીઓ રિક્ષા નીચે દબાયા
- એકને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો
- ગાંભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
હિંમતનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતનો બનાવો વધતા જાય છે. ત્યારે શામળાજી હાઈવે પર ગાંભોઈ નજીક કન્ટેનર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કન્ટેનરે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી ખાતાં ત્રણ પ્રવાસીઓ દબાયા હતા. જેમાં બેના મોત નિપજ્યા હતા. જ્યારે એકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવમાં ગાંભોઈ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળે છે કે, શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર ગાંભોઈના રણાસણ ચોકડી પર અકસ્માત સર્જાયો હતો. કન્ટેનરે રિક્ષા ચાલકને અડફેટે લેતા રિક્ષા નીચે ત્રણ લોકો દબાયા હતા. જેમાંથી બે લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે એક ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતને લીધે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ ત્રણ લોકોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓમાંથી એક મહિલા અને એક પુરુષનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જ્યારે ગંભીર રીતે ઘાયલને સિવિલ હિંમતનગર હોસ્પિટલમાં 108 દ્વારા ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતને લીધે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.