દ્વારકા-ખંભાળિયા હાઈવે પર કાર ડિવાઈડર કૂદીને ટ્રક સાથે અથડાતા બેના મોત
- કાર હાઈવે પર બેઠેલા ઢોર સાથે અથડાયા બાદ ડિવાઈડર કૂદીને ટ્રક સાથે અથડાઈ,
- કારમાં સવાર રાજકોટના ગઢકા ગામના બે યુવાનોના મોત,
- પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
રાજકોટઃ દ્વારકા-ખંભાળિયા હાઈવે પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, દ્વારકા-ખંભાળિયા હાઈવે પર ઢોર અડિંગો જમાવીને બેઠા હતા. ત્યારે પૂરફાટ ઝડપે આવી રહેલી કારે ઢોરને અડફેટે લેતા કાર ડિવાઈડર કૂદીને સામેથી આવી રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા કારમાં પ્રવાસ કરી રહેલા બે યુવાનોના મોત નિપજ્યા હતા. મૃતક યુવાનો રાજકોટ નજીકના ગઢકા ગામના છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, રાજકોટના ગઢકા ગામના બે મિત્રો રાજકોટથી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. તેમની કાર જ્યારે ખંભાળિયા-દ્વારકા હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા એક ઢોર સાથે તેમની કાર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવ્યા બાદ કાર ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી બાજુએ જઈ ચડી હતી અને તે જ સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં પ્રવાસ કરી રહેલા પ્રીતરાજસિંહ અને પ્રતિપાલસિંહ નામના બંને મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતના સમાચાર ગઢકા ગામમાં પહોંચતા શોકનો માહોલ છવાઈ ગયો હતો. બે યુવાનોના અકાળે અવસાનથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. આ ઘટનાએ ફરી એકવાર રસ્તા પર રઝળતા પશુઓના કારણે થતા અકસ્માતોની ગંભીરતા તરફ ધ્યાન દોર્યું છે.