For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં વિસ્તરણ અધિકારી વતી 1.50 લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ સહિત બે પકડાયા

05:15 PM Nov 22, 2025 IST | Vinayak Barot
ભાવનગરમાં વિસ્તરણ અધિકારી વતી 1 50 લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ સહિત બે પકડાયા
Advertisement
  • ક્લસ્ટર કો-ઓર્ડિનેટરની નોકરીમાં ફરીથી પાછા લેવા રૂપિયા બે લાખની લાંચ માગી હતી,
  • ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય એસીબીને જાણ કરી હતી,
  • વિસ્તરણ અધિકારી અને તેનો મળતીયો ફરાર,

ભાવનગરઃ ગુજરાતમાં લાંચ માગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વિસ્તરણ અધિકારી વતી રૂપિયા 1.50 લાખની લાંચ લેતા કોન્સ્ટેબલ સહિત બે શખસોને એસીબીએ ઝડપી લીધા છે. એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી શિહોર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી સહિત ચાર શખ્સો સામે લાંચની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદીને નોકરીમાં પરત લેવા અને બાકી પગાર ચૂકવવા માટે 2 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી 1.50 લાખ રૂપિયા સ્વીકારતા બે આરોપીઓને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. બે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Advertisement

આ કેસની વિગત એવી હતી કે,  ફરિયાદીને ક્લસ્ટર કો-ઓર્ડિનેટરની નોકરીમાં ફરીથી પાછા લેવા, તેમનો બાકી પગાર ચૂકવવા અને પોલીસ ફરિયાદ ન કરવા માટે આરોપી દશરથસિંહ પાંચાભાઈ ચૌહાણ (વિસ્તરણ અધિકારી, વર્ગ-3) એ 2 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. છટકા દરમિયાન આરોપી દશરથસિંહ ચૌહાણે ફરિયાદીના મિત્ર સાથે વાતચીત કરી લાંચના નાણાં આરોપીઓ રુતુરાજસિંહ, જીગર તથા વિરેન્દ્રસિંહ મારફતે આપવાનું જણાવ્યું હતું. આથી, અગ્રવાલ આંખની હોસ્પિટલના પ્રથમ માળે ગોઠવેલી ટ્રેપમાં આરોપી રુતુરાજસિંહ ધીરુભાઈ પરમાર (પોલીસ કોન્સ્ટેબલ, વર્ગ-3) અને આરોપી જીગરભાઈ જયંતિભાઈ ઠક્કર (ખાનગી વ્યક્તિ)એ 1.50 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

જ્યારે દશરથસિંહ પાંચાભાઈ ચૌહાણ (વિસ્તરણ અધિકારી) અને વિરેન્દ્રસિંહ પ્રહલાદસિંહ ગોહેલ (ખાનગી વ્યક્તિ)ને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે, આ કાર્યવાહી ડી.એ. ચૌધરી, પો.ઇન્સ. ગાંધીનગર એ.સી.બી. પો.સ્ટે. દ્વારા કરવામાં આવી હતી, અને સુપરવિઝન અધિકારી તરીકે ડી.એ. ચૌધરી, ઇ. મદદનીશ નિયામક, એ.સી.બી. ગાંધીનગર એકમ હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement