ભાવનગરમાં નવરાત્રીના પ્રથમ દિવસે બે ઈંચ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા
- દક્ષિણ ગુજરાતના 15 તાલુકામાં પણ પડ્યો વરસાદ, વાપી,
- ઉંમરગામ અને વઘઈમાં વરસાદ પડ્યો,
- વરસાદને લીધે નવરાત્રીમાં ગરબાના આયોજકો ચિંતામાં મુકાયા
ભાવનગરઃ ગુજરાતમાં નવરાત્રી પર્વનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. ત્યારે નવરાત્રીના આજે પ્રથમ દિવસે 15 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં ભાવનગર શહેરમાં વહેલી સવારે ધોધમાર 2 ઈંચ વરસાદ વરસતા શેરી ગરબાના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. ભાવનગરમાં આજે વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે જોતજોતામાં બે ઇંચ પાણી વરસાવી દીધું હતું. બે ઈચ વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
આ વર્ષે વરસાદે આખો મોસમ મન મૂકીને બેટિંગ કરી છે. હજુ માંડ મેઘરાજાએ વિરામ લીધો હતો અને નવરાત્રિની શરૂઆત થઈ કે ફરી પાછો વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગર શહેરના બે ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. જો વરસાદ આમ જ ચાલુ રહેશે તો ગરબાના રંગમાં ભંગ પડી શકે છે. જોકે ખેલૈયાઓ અને ગરબા આયોજકો આશા રાખી રહ્યા છે કે વરસાદ વિરામ લે અને ગરબાની રમઝટ માણી શકાય.
ગુજરાતમાં આજે સવારથી બપોર સુધીમાં વાપી, ઉંમરગામ, વઘઈ, કપરાડા, ઉંમરપાડા, સહિત 15 તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે, 22થી 28 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું વધુ જોર રહેશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, સમગ્ર ઉત્તર ગુજરાત પરથી મોન્સૂન વિદાય લઈ રહ્યું છે. બે દિવસ બાદ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે. આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ભાવનગર, વલસાડ, જાફરાબાદ અને ભરૂચમાં વરસાદ ખાબકતા ગરબા આયોજકો અને ખેલૈયાની ચિંતામાં વધારો થયો છે.