બાબરાના ફુલઝર ગામે નજીવી વાતે બે જૂથો બાખડી પડ્યા, એકનું મોત, 9 જણા ઘવાયા
- લગ્ર પ્રસંગમાં ઘોડીને ટ્રેકટર અડી જતા બોલાચાલી બાદ અથડામણ થઈ,
- એસપી સહિત પોલીસ કાફલો દોડી ગયો,
- ગામમાં અજંપાભરી સ્થિતિ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો,
અમરેલીઃ જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં નજીવી વાતે બે જૂથો બાખડી પડ્યા હતા. ફુલઝર ગામમાં એક લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના કારણે બબાલ થઈ હતી. અને બે જૂથ આમને-સામને આવી જતા ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ. જ્યારે 9 વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવની જાણ છતા એસપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે દોડી આવ્યા હતા. અને ગામમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગામમાં હાલ અજંપાભરી સ્થિતિ પ્રવર્તી રહી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન ઘોડીને ટ્રેક્ટર અડી જતાં બોલાચાલી થઈ હતી. અને બે જુથો આમને સામને આવી ગયા હતા. અને સામસામે હથિયારો, લાકડીઓ સાથે મારામારી થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ. જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને ગોંડલ અને બાબરાની અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
આ બનાવની જાણ થતાં SP સંજય ખરાત, DYSP ચિરાગ દેસાઈ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફુલઝર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. હાલ પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવીને સ્થિતિ ઉપર કંટ્રોલ મેળવ્યો છે.
જિલ્લા પોલીસ વડા સંજય ખરાતએ જણાવ્યું હતું કે, બે જ્ઞાતિ વચ્ચે મારમારીની ઘટના બની છે. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેકટર અડી જવાના કારણે આ મારામારી થયાની માહિતી મળી રહી છે. પોલીસ કાર્યવાહી તપાસ ચાલી રહી છે.