કઠલાલના ભાટેરા ગામ પાસે રોડ પર ટ્રકે બાઈકને ટક્કર મારતા બે યુવતીના મોત
- અકસ્માતમાં એક યુવતીનું ઘટના સ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત,
- બાઈકચાલક યુવાન સાથે બન્ને પિતરાઈ બહેનો ઘેર જઈ રહી હતી,
- અકસ્માત બાદ ટ્રક રોડ સાઈડ પર ઉતરી ગયો
નડિયાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે કઠલાલના ભાટેરા ગામ પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવતીના મોત નિપજ્યા હતા.
કઠલાલના ભાટેરા ગામના પીકઅપ સ્ટેન્ડ પાસે મોડાસા રોડ પર ગુરૂવારે સાંજે ટ્રકે રોડ ક્રોસ કરતી બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈક સવાર યુવતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક સવાર અન્ય યુવતીનું અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, કઠલાલના ભાટેરા ગામે પીકઅપ સ્ટેન્ડ પાસે આવેલા બારૈયા વગામાં રહેતા ચિરાગ નટવરસિંહ બારૈયા ગઈકાલે સાંજના સમયે પોતાના બાઈક ઉપર ગામમાંથી પડોશમાં રહેતી ભાવનાબેન કમલેશભાઈ બારૈયા અને તેણીના કાકાની દીકરી નીતા કીશનભાઈ ઉર્ફે મનુભાઈ બારૈયાને બેસાડી ઘેર જતા હતા. બાઈક ઘર નજીક આવેલા નડિયાદ મોડાસા રોડ ક્રોસ કરતું હતું. ત્યારે રોડ પર પૂરઝડપે આવેલી ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ટ્રક રોડ સાઈડની ગટરમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં શરીરે ગંભીર ઇજાઓ પહોંચવાથી બાઈક પાછળ બેઠેલા ભાવનાબેન કમલેશભાઈ બારૈયા (ઉં.વ 24)નું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલી તેણીની કાકાની દીકરી નીતાબેન કિશનભાઈ બારૈયા (ઉં.વ.15)ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે કઠલાલની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાઈ હતી. જ્યાં નીતાનું પણ મૃત્યુ થયું છે. અકસ્માત સર્જનારો ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.