સિવિલ મેડિસીટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા બે દિવસીય વર્કશોપનું આયોજન
અમદાવાદઃ અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી સરકારી સ્પાઇન ઇન્સિટ્યુટ દ્વારા સ્પાઇનની અત્યંત જટીલ સર્જરી માટે અમેરિકી તબીબોના સહયોગથી બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં અમેરિકાના નિષ્ણાંત પીડિયાટ્રિક સ્પાઇન સર્જન ડૉ.વિરલ જૈન, ડૉ.હર્ષ પટેલ અને તેમની તજજ્ઞોની ટીમ તેમજ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેકટર અને નિષ્ણાંત સ્પાઇન સર્જન ડૉ.પિયુષ મિત્તલ,ડો પ્રેરક યાદવ,ડો.રીમા વણસોલા અને તેમની ટીમ દ્વારા સર્જરી હાથ ધરાઇ હતી.
મધ્યપ્રદેશ અને ગુજરાતના બે દર્દીઓમાં રહેલી Scoliosis (ખૂંધ ) ડિફોર્મિટીની કરેક્શન કરવા માટે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સહયોગ કરી સફળ સર્જીકલ કેમ્પનું આયોજન કરાયું હતુ. અત્યંત જટીલ કહી શકાય તેવી આ સર્જરી કરીને બંને બાળાઓને પીડામુક્ત કરવામાં આવી છે. આ સર્જરીમાં અત્યંત આધુનિક ગણાતા સાધનો જેવા કે ન્યુરોટ્રંસ્મિટર મોનિટર અને Scoliosis ના ખૂબજ કિંમતી એવા ઇમ્પ્લાંટસ પણ અમેરિકાની ટીમ દ્વારા સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. આ પ્રકારની સર્જરીની કિંમત ખાનગી હોસ્પિટલમાં 6 થી 8 લાખ રૂપિયા થાય છે. જે સરકારી સ્પાઇન ઇન્સિટ્યુટમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે કરાઇ.
આ સફળતાના ઉપક્રમે પ્રેરાઇને હવેથી દર વર્ષે આ પ્રકારનું જોડાણ ચાલુ રાખવાના કરાર પણ કરવામાં આવેલ છે. આમ સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ આ પ્રકારના જોડાણ થકી રાજ્યમાં મેડિકલ ટુરીઝમને પણ પ્રોત્સાહન મળશે અને આવા પ્રકારના દર્દિઓને વિના મુલ્યે સારવાર મળી રહેશે. અત્રે નોંધનીય છે કે, સરકારી સ્પાઇન ઇન્સિટ્યુટ દ્વારા સ્કોલિયોશીશ જેવી અત્યંત જટીલ કહી શકાય એવી કુલ 15 જેટલી સર્જરી છેલ્લા એક વર્ષમાં સફળતાપૂર્વક પૂર્ણ કરાઇ છે.