ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા બે દિવસીય જિલ્લા સ્તરના ફિલાટેલી પ્રદર્શનનું આયોજન
ગાંધીનગરઃ દાંડી કુટિર મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા આયોજિત ફિલાટેલી પ્રદર્શન ફિલાવિસ્ટા-2024નું ઉદ્ધાટન કર્યુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા તા. 19 અને 20 નવેમ્બર દરમિયાન ફિલાટેલી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ફિલાટેલી પ્રેમીઓ માટેના આ દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ્સ પ્રદર્શનનું આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘટાન કરવામાં આવ્યું હતું અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ બાબતે ગાંધીનગર ડિવિઝનના વરિષ્ઠ પોસ્ટ અધિક્ષક શ્રી પિયુષ રામપ્રસાદ રાજકે જિલ્લા સ્તરના આ ફિલાટેલી પ્રદર્શન “ફિલાવિસ્ટા-2024”ને નિહાળવા માટે વધુમાં વધુ નાગરિકોને અનુરોધ કર્યો છે.
આ અનોખા ફિલાટેલી પ્રદર્શનમાં વિશિષ્ટ અને દુર્લભ સ્ટેમ્પ્સના રસપ્રદ ઈતિહાસથી લોકો જાણકાર થઈ શકશે તેમજ બાળકોમાં સ્ટેમ્પ્સ એકત્રિત કરવાનો શોખ તેમજ ફિલાટેલી પ્રત્યે લાગણી જગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રદર્શન તા. 19 અને 20 એમ બે દિવસ તમામ લોકો માટે નિઃશૂલ્ક ખુલ્લું રહેશે.