લખનૌ બેંક લૂંટ કેસના બે આરોપીઓ અલગ-અલગ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા
- લૂંટારુઓ બેંકની દિવાલમાં બાખોરુ પાડીને અંદર પ્રવેશ્યા
- લૂંટારુઓએ 40 લોકર તોડીને કિંમતી મતાની આચરી લૂંટ
લખનૌઃ લખનૌમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકની ચિન્હાટ શાખામાં કથિત રીતે લૂંટમાં સામેલ બે ગુનેગારો લખનૌ અને ગાઝીપુર પોલીસ સાથે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં હતા. પોલીસ સાથેની અથડામણમાં સોબિંદ કુમાર (ઉ.વ. 26) લખનૌમાં કિસાન પથ પાસે માર્યો ગયો હતો, જ્યારે સન્ની દયાલ (ઉ.વ.26) ગાઝીપુર પોલીસ અને SWAT (સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેક્ટિક્સ) સર્વેલન્સ ટીમ દ્વારા એક અલગ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.
આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીપી) રાધા રમણ સિંહ, ચિનહાટ, લખનૌએ જણાવ્યું હતું કે બિહારનો વતની સોબિંદ કુમાર બેંક લૂંટમાં વોન્ટેડ શકમંદોમાંનો એક હતો. તેમણે કહ્યું કે માહિતીના આધારે પોલીસે ચિનહટ વિસ્તારના લૌલાઈ ગામ પાસે બે વાહનોને રોક્યા હતા. દરમિયાન એક શકમંદે પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો, જેના પગલે પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં ગોળી વાગવાથી સોબિંદ કુમારનું મૃત્યુ થયું હતું. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમાર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, મંગળવારે ગાઝીપુર જિલ્લાની સ્વાટ સર્વેલન્સ ટીમ અને ગહમર પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ સાથેની અથડામણમાં 25,000 રૂપિયાનું ઈનામ ધરાવનાર ગુનેગાર દયાલ ઠાર મરાયો હતો. તેની પાસેથી પિસ્તોલ અને રૂ. 35500 મળી આવ્યાં હતા.
પોલીસે જણાવ્યું હતું કે તેઓએ બારા પોલીસ ચોકીની નજીક નિયમિત ચેકિંગ દરમિયાન મોટરસાઇકલ સવાર બે માણસોને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શંકાસ્પદ લોકોએ બિહાર સરહદ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે પીછો કર્યા પછી, શંકાસ્પદોને કુતુબપુર નજીક રોકવામાં આવ્યા ત્યારે તેમણે પોલીસ પર ગોળીબાર શરૂ કર્યો હતો. ડીજીપીએ કહ્યું, “પોલીસ દ્વારા જવાબી કાર્યવાહીમાં ગોળી વાગતાં સની દયાલ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે અન્ય શંકાસ્પદ ભાગી ગયો હતો. સનીને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યો અને બાદમાં ગાઝીપુર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઈન્ડિયન ઓવરસીઝ બેંકની ચિન્હાટ શાખામાં રવિવારે લૂંટનો મામલો સામે આવ્યો હતો. બ્રાન્ચ મેનેજર સંદીપ સિંહે જણાવ્યું કે, ગુનેગારો બાજુના ખાલી પ્લોટમાંથી દિવાલ તોડીને બેંકમાં પ્રવેશ્યા અને લગભગ 40 લોકરમાંથી સામાન લૂંટી ફરાર થઈ ગયા હતા. દરમિયાન સોમવારે, પોલીસે લૂંટમાં સામેલ ત્રણ શકમંદોની ધરપકડ કરી હતી જેમની ઓળખ અરવિંદ કુમાર (ઈજાગ્રસ્ત), બલરામ અને કૈલાશ તરીકે થઈ હતી. આ તમામ બિહારના રહેવાસી છે અને લૌલાઈ ગામ નજીકથી પકડાયા હતા. સોબિંદ કુમાર, સની દયાલ, મિથુન કુમાર અને વિપિન કુમાર વર્મા સહિત ચાર સાથીદારો ફરાર થઈ ગયા હતા.