બિહારમાં 25 કરોડની લૂંટ કેસમાં બે આરોપીઓની ધરપકડ, આરોપીનો વીડિયો થયો વાયરલ
પટનાઃ બિહારના ભોજપુર જિલ્લાના આરા શહેરમાં જ્વેલર્સ શોરૂમમાં 25 કરોડ રૂપિયાના દાગીનાની ધોળા દિવસે થયેલી લૂંટેને પગલે ખળભળાટ મચી ગયો હતો. એક તરફ પોલીસ આ હાઇપ્રોફાઇલ લૂંટ કેસની તપાસમાં ઝડપી કાર્યવાહીનો દાવો કરી રહી છે, તો બીજી તરફ ધરપકડ કરાયેલા આરોપીનો મોબાઇલ ફોન પર મુક્તપણે વાત કરતો વીડિયો વાયરલ થયો છે, જેનાથી બિહાર પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉભા થયા છે. લૂંટ બાદ એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા એક આરોપીને સ્ટ્રેચર પર હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે આ મામલો ચર્ચામાં આવ્યો હતો. દરમિયાન તે મોબાઇલ ફોન પર વાત કરતો જોવા મળ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનામાં બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. જ્યારે અન્ય લૂંટારુઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ કસ્ટડીમાં હોવા છતાં, આરોપી ફક્ત મોબાઇલ ફોનનો ઉપયોગ જ નથી કરી રહ્યો, પરંતુ કોઈ પણ ચિંતા કર્યા વિના વાત પણ કરી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર પોલીસ કાર્યવાહી અંગે પ્રશ્નોનો દોર શરૂ થઈ ગયો. લોકોએ પૂછ્યું કે જ્યારે આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ થયો હતો, તો પછી તેને મોબાઈલ વાપરવાની મંજૂરી કોણે આપી? શું આ બેદરકારી છે કે કોઈ આંતરિક મિલીભગત?
મળતી માહિતી મુજબ, આ ઘટના સોમવારે સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે બની હતી. જ્યારે આરા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોપાળી ચોક સ્થિત શોરૂમમાં લગભગ છ થી સાત સશસ્ત્ર ગુનેગારો ઘૂસી ગયા હતા. તેમણે સ્ટાફ અને શોરૂમ માલિકને બંધક બનાવ્યા અને લગભગ 25 કરોડ રૂપિયાના દાગીના લૂંટીને ભાગી ગયા હતા. માહિતી મળતા જ ભોજપુર એસપીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને લૂંટારુઓની શોધ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું, જેમાં બે ગુનેગારો ગોળી વાગવાથી ઘાયલ થયા હતા. પોલીસે આ આરોપીઓ પાસેથી બે પિસ્તોલ, દસ કારતૂસ અને લૂંટાયેલા દાગીના ભરેલી બે બેગ જપ્ત કરી છે.
ઘટના બાદ શાહબાદ રેન્જના ડીઆઈજી સત્ય પ્રકાશ આરા પહોંચ્યા અને શોરૂમનું નિરીક્ષણ કર્યું હતું તેમજ પોલીસ કાર્યવાહીની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં બે ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્યને ઓળખવા અને પકડવા માટે પ્રયાસો ચાલુ છે. ડીઆઈજીના જણાવ્યા મુજબ, આ લૂંટમાં કુલ છ થી સાત ગુનેગારો સામેલ હતા અને પોલીસ ટૂંક સમયમાં અન્ય ગુનેગારોની ધરપકડ કરશે.