સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બે બનાવો, બેના મોત
- લીંબડી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, મહિલાનું મોત,
- વઢવાણ- લખતર હાઈવે પર ટ્રકની અડફેટે આધેડનું મોત,
- બન્ને બનાવોમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ બે અકસ્માતના બનાવો બન્યા હતો. પ્રથમ અકસ્માતનો બનાવ લીંબડી નજીક નેશનલ હાઈવે પર પૂરફાટ ઝડપે કારે બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર પતિની નજર સામે તેની પત્નીનું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતનો બીજો બનાવ લખતર-વઢવાણ હાઈવે પર બન્યો હતો જેમાં ટ્રકએ આધેડ વ્યક્તિને અડફેટે લેતા તેનું મોત નિપજ્યુ હતું. આ અકસ્માત બાદ ટ્રક સાથે તેનો ચાલક નાશી ગયો હતો.
પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળે છે કે, લીંબડી રાજકોટ હાઇવે ઉપર વડોદ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. જયારે આ અકસ્માતની ઘટનામાં અન્ય એક વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં રાધાબેન રણછોડભાઈ કુમાદરા ( ઉ,વ. 43 )નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે રણછોડભાઈ કુમાદરાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, આ અકસ્માતનો બનાવ વડોદ અને બલદાણા વચ્ચે સર્જાયો હતો. જયારે કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતનો બીજો બનાવ વઢવાણ લખતર હાઇવે પર સર્જાયો હતો. જેમાં હાઈવે પર પુરપાટ ઝડપે પસાર થતા ટ્રક ચાલકે આધેડને હડફેટે લેતા મોત નીપજ્યું હતું. આધેડને માથાના અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. હિટ એન્ડ રનની ઘટના બાદ આધેડના મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અને લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. જયારે અકસ્માત બાદ વાહન ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ થયો હતો. જયારે આધેડના અકાળે અકસ્માતમા મોતની ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જયારે આ ગોઝારી ઘટનાના પગલે વઢવાણ પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઇ અકસ્માતે અંગેનો ગુન્હો દાખલ કરી ફરાર વાહન ચાલકને ઝબ્બે કરવા વધુ તપાસ હાથ ધરી છે.