અમદાવાદના SP રિંગ રોડ પર અકસ્માતના બે બનાવ, દંપત્તીનું મોત
- પૂરફાટ ઝડપે ટ્રકે બાઈકને અડફેટે લેતા દંપત્તી કચડાયું
- સ્કુલેથી પરત ફરતા ટેમ્પાએ સાયકલસવાર વિદ્યાર્થીને અડફેટે લીધો
- ઘવાયેલા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. શહેરના એસપી રિંગ રોડ પર આજે અકસ્માતના જુદા જુદા બે બનાવો બન્યા હતી. જેમાં પ્રથમ અકસ્માતનો બનાવ વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક પૂરફાટ ઝડપે ટ્રકે બાઈકને અડફેટે લેતા દંપત્તીનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા અકસ્માતનો બનાવ પણ વસ્ત્રાલ રિંગ રોડ (એસપી રિંગ રોડ) પર બન્યો હતો. જેમાં આઈસરે ટેમ્પાને ટક્કર મારતા ટેમ્પાએ શાળાએથી પરત ફરતા સાયકલસવાર વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ રોડ સાઈડ પરના ખાડાંમાં પટકાયા હતા. જેમાં એક વિદ્યાર્થીને વધારે ઈજા થતાં તેને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
શહેરના પૂર્વ વિસ્તારમાં એસપી રિંગ રોડ પર વસ્ત્રાલ નજીક મંદિરે દર્શન કરવા ગયેલા પટેલ દંપતીને ટ્રકે અડફેટે લઈ 100 ફૂટ ઢસડ્યા હતાં. આ અકસ્માતમાં પતી-પત્નિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. એસપી રિંગ રોડ પર થયેલા અકસ્માતમાં બે નિર્દોષનાં મોત થતાં તેમના પરિવારમાં દુઃખનો માહોલ સર્જાયો હતો. આ બનાવની સ્થાનિક લોકો તેમજ અન્ય વાહનચાલકોએ વાહનો ઊભા રાખીને મદદ માટે દોડી આવ્યા હતા. અને પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પોલીસે દાડી આવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરી હતી. અકસ્માત સર્જીને ફરાર થયેલા ટ્રક ડ્રાઈવરની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
શહેરના એસ. પી રીંગ રોડ આજે કાળમૂખો બન્યો હોય તેમ માત્ર ચાર કલાકની અંદર જ બીજો અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જે જગ્યાએ દંપતીનું મોત નીપજ્યું છે તેના 500 મીટર દુર જ બીજો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક આઇસરે લોડિંગ ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પોએ સ્કૂલેથી સાયકલ પર પરત ફરતા ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. જેમાં ત્રણેય વિદ્યાર્થીઓ રોડ સાઈડના ખાડામાં પટકાયા હતાં. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થઇ હતી. જ્યારે અન્ય બે વિદ્યાર્થીને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત આઠ વર્ષીય અરુણ પ્રજાપતિને 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર કાંતિભાઈ રવજીભાઈ પટેલ આશરે ઉં.વ. 62 અને દક્ષાબેન કાંતિભાઈ પટેલ (ઉં.વ. 60) અંદાજે 100 ફૂટ જેટલા ઢસેડ્યા હતા. અને દંપતી પર ટ્રકનું ટાયર ફરી વળતા શરીરનાં ચીથરાં ઊડી ગયાં હતાં અને ઘટનાસ્થળે દંપત્તીનું કમક્માટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતે મોતને ભેટનાર દંપતી મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ટ્રક ડ્રાઇવરે જ્યારે અકસ્માત સર્જ્યો ત્યારે તે ફોન પર વાત કરી રહ્યો હોવાનું પણ હાજર લોકોએ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ અને I ડિવિઝન પોલીસ સ્થળે દોડી ગઈ હતી. અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રકને સ્થળ પર મુકીને ફરાર થઈ ગયો હતો. બનાવ સ્થળે પહોંચેલી પોલીસે બન્ને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરી હતી. એસપી રિંગ રોડ પર બનેલા આ બનાવ બાદ ટ્રાફિકજામ થઈ ગયો હતો. પોલીસ દ્વારા આરોપી ટ્રકચાલકને પકડવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.