યુએનમાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, ભારતે કડક જવાબ આપ્યો
નવી દિલ્હીઃ પાકિસ્તાનના નજીકના દેશ તુર્કીએ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તુર્કીના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગાને યુએનમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ઑપરેશન સિંદૂર બાદ થયેલા સીઝફાયરનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આ યુદ્ધવિરામથી તુર્કી “સંતોષ” અનુભવે છે. તેમજ તેમણે ફરીથી કાશ્મીર મુદ્દાના ઉકેલની અપીલ કરી હતી.
એર્દોગાને મહાસભામાં કહ્યું કે, “એપ્રિલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ બાદ થયેલા સીઝફાયરથી અમે ખુશ છીએ. હવે જરૂર છે કે કાશ્મીર મુદ્દો સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ અને સંવાદના આધારે ઉકેલાય, જેથી કાશ્મીરના ભાઈ-બહેનોને ઉત્તમ ભવિષ્ય મળી રહે.”
આ પહેલી વાર નથી કે એર્દોગાને આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હોય. આ વર્ષે પાકિસ્તાન મુલાકાત દરમિયાન પણ તેમણે કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દાનો ઉકેલ યુએન ઠરાવ, સંવાદ અને કાશ્મીરી લોકોની ઈચ્છાઓના આધારે થવો જોઈએ. તેમ જ તેમણે પાકિસ્તાન સમક્ષ કહ્યું હતું કે તુર્કી હંમેશા કાશ્મીરી ભાઈઓ સાથે ઊભું છે. તુર્કી પ્રમુખની આ ટિપ્પણીઓ પર ભારતે કડક વિરોધ દર્શાવ્યો છે. ભારતે તુર્કીને સ્પષ્ટ કહ્યું છે કે કાશ્મીર અમારો આંતરિક મુદ્દો છે અને કોઈપણ બીજા દેશને તેમાં બોલવાનો અધિકાર નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રંધિર જયસવાલે કહ્યું કે, “જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે. બીજા દેશોને તેના પર ટિપ્પણી કરવાનો કોઈ હક નથી. તેના બદલે સારું એ હોત કે પાકિસ્તાનની ભારત વિરુદ્ધની સરહદી આતંકવાદની નીતિની નિંદા કરવામાં આવી હોત, જે જમ્મુ-કાશ્મીરના લોકો માટે સૌથી મોટો ખતરો છે.”