અઝરબૈજાનથી ઉડાન ભર્યા પછી જ્યોર્જિયામાં તુર્કી C-130 લશ્કરી કાર્ગો વિમાન ક્રેશ
અઝરબૈજાનથી ઉડાન ભર્યા પછી જ્યોર્જિયામાં એક તુર્કી C-130 લશ્કરી કાર્ગો વિમાન ક્રેશ થયું હતું.આ ઘટનાનું કારણ અને જાનહાનિનો આંકડો હજુ સ્પષ્ટ નથી. તુર્કીના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ફ્લાઇટ ક્રૂ સહિત 20 તુર્કી કર્મચારીઓ સવાર હતા, પરંતુ અન્ય દેશના મુસાફરો વિશે કોઈ વધારાની વિગતો આપી નથી. દરમિયાન, સ્થાનિક મીડિયા અહેવાલ આપે છે કે યુએસ-નિર્મિત વિમાનમાં તુર્કી અને અઝેરી બંને પ્રકારના કર્મચારીઓ સવાર હતા. C-130 હર્ક્યુલસ ચાર એન્જિન ધરાવતું કાર્ગો, સૈન્ય અને સાધનો વાહક વિમાન છે.
અહેવાલો મુજબ વિમાનમાં તુર્કીયે અને અઝરબૈજાન બંનેના લોકો સવાર હોઈ શકે છે, પરંતુ સંખ્યા સ્પષ્ટ નથી. વિમાન તુર્કીયે-અઝરબૈજાન સરહદ નજીક જ્યોર્જિયાના પૂર્વ કાખેતી ક્ષેત્રમાં ક્રેશ થયું હતું. તુર્કીયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોઆને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે શહીદોના આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી છે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હમ અલીયેવે એર્દોઆન સાથે વાત કરી. તુર્કીયે અને જ્યોર્જિયન બંને સરકારોએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અકસ્માતના એક વીડિયોમાં જોવા મળે છે કે વિમાન પર્વત સાથે અથડાતા પહેલા સફેદ ધુમાડાના ગોટા છોડી રહ્યું છે. દુર્ઘટના પછી કાળા ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા હતા. C-130 હર્ક્યુલસ વિમાન અમેરિકન કંપની લોકહીડ માર્ટિન દ્વારા બનાવવામાં આવે છે. તે ચાર એન્જિનવાળું ટર્બોપ્રોપ લશ્કરી પરિવહન વિમાન છે જે ખરાબ રીતે તૈયાર રનવે પરથી ઉડાન ભરવા અને ઉતરવા માટે રચાયેલ છે. તેનો મુખ્ય હેતુ કાર્ગો, સૈનિકો અને સાધનોનું પરિવહન કરવાનો છે.